લંડનઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પદભાર સંભાળ્યા પછી પ્રથમ વાર આગામી સપ્તાહે યુકેની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ તેમની સાથે આવે તેવી ધારણા છે. ડાઉનિંગ સ્ટ્રીટે આપેલી માહિતી અનુસાર ટ્રમ્પ બેલ્જિયમના બ્રસેલ્સમાં નાટો શિખર પરિષદમાં હાજરી આપ્યા પછી સીધા જ બે દિવસની વર્કિંગ વિઝિટ માટે યુકે આવશે. ટ્રમ્પને આ મુલાકાત દરમિયાન ભારે લોકવિરોધનો સામનો કરવો પડશે. તેમના અન્ય કોઈ કાર્યક્રમોનું આયોજન કરાયું નથી.
ટ્રમ્પ દંપતી એક જ દિવસ લંડનમાં યુએસ એમ્બેસેડરના સત્તાવાર નિવાસ વિનફિલ્ડ હાઉસ ખાતે રોકાશે. ટ્રમ્પ દંપતી ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાત કરવા વિન્ડસર પેલેસ પણ જશે. આ પછી, તેઓ વીકએન્ડ ગાળવા સ્કોટલેન્ડની મુલાકાત લેવાના છે.
બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે ૧૨ જુલાઈએ ઓક્સફર્ડશાયરના બ્લેનહેઈમ પેલેસમાં તેમના માનમાં વિશેષ ડિનરનું આયોજન કરવાનાં છે. આ ભોજન સમારંભમાં અગ્રણી બિઝનેસ લીડર્સ અને વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ હાજરી આપશે. ૧૩ જુલાઈએ ટ્રમ્પ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેને મળવા ડાઉનિંગ સ્ટ્રીટ જવાના છે. તેઓ યુકે-યુએસની મિલિટરી તાલીમ તથા યુકેના સશસ્ત્ર દળોનું પ્રદર્શન નિહાળવા પણ જશે. આ પછી, તેઓ ચેકર્સ ખાતે લંચ દરમિયાન વિદેશનીતિ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે.
ટ્રમ્પની મુલાકાતનો વિરોધ કરવા વિશાળ ‘એંગ્રી બેબી’ બલૂન ઉડાડવા સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ ડાઉનિંગ સ્ટ્રીટ જાય ત્યારે બે કલાક માટે આ બલૂન ઉડાડવા લંડનના મેયર સાદિક ખાને પરમિશન આપી છે.
જો ટ્રમ્પ દંપતી સ્કોટલેન્ડની મુલાકાત લેશે તો પોલીસ સુરક્ષા પાછળના ખર્ચનો ભાર ટ્રેઝરી ઉપાડશે તેને ટ્રેઝરી સેક્રેટરી લિઝ ટ્રસે સમર્થન આપ્યું છે. આવી કોઈ મુલાકાત માટે ઓછામાં ઓછાં ૫૦૦૦ પોલીસ ઓફિસરને કામે લગાડવા પડશે, જે માટે સ્કોટલેન્ડના નેશનલ ફોર્સને પાંચ મિલિયન પાઉન્ડ સુધીનો ખર્ચ થઈ શકે છે. સ્કોટિશ સરકારે આવો ખર્ચ તે ઉપાડી શકે તેમ ન હોવાનું જણાવ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સ્કોટલેન્ડમાં આયરશાયર અને એબરડીનશાયરમાં તેમના એક ગોલ્ફ કોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે.