લંડનઃ જાણીતા બ્રિટિશ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાની ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ યુનાઇટેડ કિંગડમ (ICCUK)ના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઇ છે. તેમણે ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની મંત્રણાનો પુનઃપ્રારંભ કરવાના બ્રિટિશ સરકારના નિર્ણયને આવકાર્યો છે.
કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયા નવા વર્ષથી ચેમ્બરના અધ્યક્ષ તરીકેની કામગીરી શરૂ કરશે. નવા વર્ષમાં જ ભારત અને યુકે વચ્ચે મંત્રણાનો પ્રારંભ થવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરારના કારણે બંને દેશને ગૂડ્સ, ઇન્વેસ્ટમેન્ટ અને સર્વિસિઝીમાં મોટો લાભ થશે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે. ભારતીય કંપનીઓ દ્વારા યુકેમાં નોંધપાત્ર મૂડીરોકાણ થઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરાર બંને દેશ વચ્ચેના સંબંધોને નવી ઉર્જાથી ભરી દેશે. ભારત અને યુકેના વડાપ્રધાનોએ વેપાર કરાર માટેની એક ડેડલાઇન નક્કી કરી દેવી જોઇએ જેથી તે તારીખ સુધીમાં કરાર થઇ શકે.
ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વનું સૌથી મોટું બિઝનેસ સંગઠન છે. 45 મિલિયન કંપની તેની સભ્ય છે અને આ કંપનીઓ દ્વારા 170 દેશોમાં 1 બિલિયન કર્મચારીઓને રોજગાર આપવામાં આવે છે. ICCUK બ્રિટનમાં ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેના દ્વારા યુકેના ઉદ્યોગજગતને આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડવાનું માળખુ પુરું પાડવામાં આવે છે.
લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, હું વિશ્વના મહત્વના અર્થતંત્રો સાથેના સંબંધો મજબૂત બનાવવાની તકો જોઇ રહ્યો છું. 2025માં કાર્યભાર સંભાળતાની સાથે હું આંતરરાષ્ટ્રીય વેપારને પ્રાથમિકતા આપીશ. લોર્ડ બિલિમોરિયા બિઝનેસમેન પોલ ડ્રેશલર સીબીઇનું સ્થાન લઇ રહ્યાં છે.