કમ્પાલા, લંડનઃ યુગાન્ડાની આઝાદીના 60મા વર્ષ તેમજ યુગાન્ડાના એશિયનોની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠના સમયે યુગાન્ડા માટે વડા પ્રધાનના ટ્રેડ એન્વોય-વેપારદૂત લોર્ડ ડોલર પોપટે યુકે સરકારના ગ્લોબલ બ્રિટન એજન્ડા તેમજ આ ક્ષેત્ર સાથે દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવાના હેતુસર કમ્પાલાનો પ્રવાસ ખેડી પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં આરોગ્ય, ઈન્વેસ્ટમેન્ટ, એનર્જી, ટ્રાન્સપોર્ટ અને એગ્રીકલ્ચર સહિતના વિષયો આવરી લેવાયા હતા. અગાઉ, યુગાન્ડાના ઔદ્યોગિકીકરણમાં મદદ કરવા યુકે એક્સપોર્ટ ફાઈનાન્સ દ્વારા વિક્રમી 2.5બિલિયન પાઉન્ડનું કવરેજ અપાયેલું છે.
આ મુલાકાતમાં યુગાન્ડાસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર કેટ એરે OBE પણ સામેલ થયા હતાં. મીટીંગમાં ઉઠાવાયેલા મહત્ત્વના મુદ્દાઓમાં હીથ્રો અને એન્ટેબી વચ્ચે યુગાન્ડા એરલાઈન્સની નવી સેવા શરૂ કરવામાં થયેલા વિલંબનો પણ સમાવેશ થયો હતો. લોર્ડ પોપટે સૌપ્રથમ 2018માં આ બાબત ઉઠાવી હતી તેમજ યુગાન્ડા સરકાર અને એરબસ વચ્ચે યુકેમાં રોલ્સ રોયસ દ્વારા નિર્મિત એન્જિન સાથેના બે નવા એરક્રાફ્ટની ખરીદીનો સોદો પાર પાડવાની વાટાઘાટોમાં પણ મદદ કરી હતી.
જોકે, કમનસીબે આ સેવા શરૂ કરી શકાઈ નથી અને યુગાન્ડા એરલાઈન્સના બે નવા વિમાન એન્ટેબીની ટરમાક પર નિષ્ક્રિય પડી રહ્યાં છે. આ નવી સેવાથી બ્રિટિશરો માટે આકર્ષક પ્રવાસનસ્થળ બની રહેલા યુગાન્ડામાં ટુરિઝમને ઉત્તેજન આપવામાં મદદ મળશે. પ્રેસિડેન્ટ મુસેવેનીએ યુગાન્ડા એરલાઈન્સ અને સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) ને સાથે મળી કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવા કામ કરવાની સૂચના આપવા ખાતરી આપી હતી. લોર્ડ પોપટે યુકે સુધી ડાયરેક્ટ ફ્લાઈટ માટે CAAને મદદ કરવા એવિએશન નિષ્ણાતોને મોકલવાની પણ ઓફર કરી હતી.
આ ઉપરાંત, યુકે અને યુગાન્ડાની હેલ્થકેર સિસ્ટમ્સ વચ્ચે સહકારની વાત પણ થઈ હતી જેમાં, યુકેમાં લેબર શોર્ટેજને નિવારવા યુગાન્ડાની નર્સીસની ભરતીનો સમાવેશ થયો હતો. યુગાન્ડામાં 2020 સુધીમાં 70000થી વધુ નર્સીસ અને મિડવાઈવ્ઝનું રજિસ્ટ્રેશન યુગાન્ડા નર્સીસ એન્ડ મિડવાઈવ્ઝ કાઉન્સિલ સાથે થયું છે પરંતુ, માત્ર 48000 નોકરી કરે છે. યુકેમાં યુગાન્ડાની નર્સીસ ઈંગ્લિશ બોલી શકતી હોવાથી તેમના માટે યુકેમાં કામ કરવા અને તાલીમ હાંસલ કરવાની સારી તક રહેલી છે. યુકેમાં નર્સીસ અને મિડવાઈવ્ઝનો પગાર પણ સારો છે. આગામી સપ્તાહે લંડનમાં યુગાન્ડાના વાઈસ પ્રેસિડેન્ટ જેસિકા અલુપો અને યુકેની મિનિસ્ટ્રી ઓફ હેલ્થના પરમેનન્ટ સેક્રેટરી ડો. ડાયેના એટ્વિનની હાજરીમાં યુકે યુગાન્ડન હેલ્થ ફોરમની બેઠક મળી રહી છે ત્યારે યુગાન્ડાની નર્સીસની ભરતીનો મુદ્દો વધુ મહત્ત્વનો બની રહે છે.
બેઠકમાં યુગાન્ડાના કૃષિ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ સ્વીકાર્ય બની રહે તે માટે યુગાન્ડાના ઉત્પાદનોનાં સ્ટાન્ડર્ડ્સ અને પ્રોસેસિંગને સુધારવામાં ઈન્વેસ્ટમેન્ટનો મુદ્દો પણ ચર્ચાયો હતો. પ્રેસિડેન્ટ મુસેવેનીએ જણાવ્યું હતું કે, ‘પોલ્ટ્રી પ્રોડક્ટ્સ, દૂધ, સુગર વગેરે જેવાં કૃષિ ઉત્પાદનોનાં માપદંડો અને પ્રોસેસિંગ વિશેષ મહત્ત્વના છે. ઉત્પાદનમાં નીચા ખર્ચના કારણે તે ઘણાં સસ્તાં છે.’ લોર્ડ પોપટે કહ્યું હતું કે,‘યુગાન્ડાનું કલ્ચર જ એગ્રીકલ્ચર છે. યુકેમાં કૃષિ ઉત્પાદનોની માગ ઘણી ઊંચી હોવાથી અમે એગ્રીકલ્ચરના આ ક્ષેત્રને વિશેષ સપોર્ટ કરવા માગીએ છીએ.’ યુગાન્ડા અને યુકે વચ્ચે સહભાગી મૂલ્યોને પ્રકાશિત કરવામાં આ બેઠક પ્રતીકાત્મક બની રહી હતી. બેઠકના સમાપનમાં પ્રેસિડેન્ટ મુસેવેનીએ બે દેશો વચ્ચે બિઝનેસ અને વેપારસંપર્કોને આગળ વધારવામાં લોર્ડ પોપટની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી પ્રસંશા કરી હતી.
લોર્ડ ડોલર પોપટ માટે પોતાના જન્મના દેશમાં 2016થીયુગાન્ડા માટે વડા પ્રધાનના ટ્રેડ એન્વોય-વેપારદૂત તરીકેની સેવા આપવાનું કાર્ય એક સંપૂર્ણ ચક્ર સમાન રહ્યું છે. લોર્ડ પોપટ પોતાની બિઝનેસ પશ્ચાદભૂના કારણે યુગાન્ડા અને બ્રિટિશ બિઝનેસીસની વિશાળ રેન્જથી સંપૂર્ણ માહિતગાર છે તેમજ યુકેના વેપાર અને ઈન્વેસ્ટમેન્ટના વધુ વિકાસની ચર્ચા કરવામાં જરા પણ પાછા પડે તેમ નથી. બેઠકમાં યુકે સરકારની સાથોસાથ પ્રાઈવેટ સેક્ટર પણ યુકે અને યુગાન્ડા માટે આપસી સમૃદ્ધિ લાવવામાં કામગીરી બજાવી શકે તેની પણ ચર્ચા થઈ હતી. ખાનગી અને જાહેર ક્ષેત્ર વચ્ચે વધુ સહકાર તમામ પક્ષોના હિતમાં છે જેમાં, તમામ યુગાન્ડાવાસીને રોજગારી સર્જન, પશુઉછેરમાં નવીનીકરણ અને ટેકનોલોજીના ટ્રાન્સફરથી લાભ હાંસલ થશે.
મુલાકાત પછી ટ્રેડ એન્વોય લોર્ડ પોપટે જણાવ્યું હતું કે,‘યુગાન્ડામાં ઘણી સારી ક્ષમતા છે પરંતુ આ ક્ષમતાઓને કોમર્શિીયલ પરિણામોમાં તબદીલ કરવાનો સમય આવી ગયો છે. મારી મુલાકાતનો હેતુ તકોને સોદામાં ફેરવવાનો છે પરંતુ, આપણે પારસ્પરિક સમૃદ્ધિ વધારવા વેપારી સંબંધો મજબૂત બનાવવા હોય તો મારા માટે યુગાન્ડાની સરકાર, બિઝનેસીસ અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે યુગાન્ડાના લોકોનો સપોર્ટ આવશ્યક છે.’