લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નિકાસને ઉત્તેજનની નીતિને આગળ વધારતા લોર્ડ પોપટને યુગાન્ડા અને રવાન્ડા માટે ટ્રેડ એનવોય (વાણિજ્યદૂત) તરીકે નિયુક્ત કર્યા છે. આ નવી જવાબદારી સાથે લોર્ડ પોપટ આ બે દેશમાં વડા પ્રધાનના વાણિજ્ય પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે. નિરાશાજનક નિકાસ આંકડાને ધ્યાનમાં રાખી સરકારે ચાવીરુપ ઉભરતાં બજારોને લક્ષ્ય બનાવવા લોર્ડ પોપટ અને પૂર્વ ચાન્સેલર નોર્મન લેમોન્ટ સહિત ૧૨ વાણિજ્ય પ્રતિનિધિઓની નિમણૂકો કરી છે.
લોર્ડ પોપટનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેઓ ૧૯૭૧માં યુકે આવ્યા હતા. નિયુક્તિ પછી લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, ‘ આ નવી પડકારરુપ ભૂમિકા દેશ અને વડા પ્રધાનની સેવા કરવા માટે મોટા ગૌરવસમાન છે. લોર્ડ્સમાં મારો રસ આફ્રિકા સાથે મજબૂત સંબંધો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME)ને ટેકો તેમજ નિકાસને પ્રોત્સાહન સાથે સંકળાયેલો રહ્યો છે. આ ભૂમિકા મને એકસાથે ત્રણ કાર્ય કરવાની તક આપશે.
આફ્રિકાની આર્થિક ગર્ભિત ક્ષમતા જાણીતી છે અને આ ખંડની વસ્તી લગભગ ભારત જેટલી જ હોવાં છતાં આફ્રિકા સાથે આપણો વેપાર બમણો છે. લોકો ભારતને લક્ષ્યાંકિત બજાર તરીકે ગણાવતા રહે છે ત્યારે આપણે આફ્રિકાની વિશાળ ક્ષમતા તેમજ યુગાન્ડા અને રવાન્ડા જેવાં ઝડપી વિકસતાં બજારોને નજરઅંદાજ કર્યા છે. મેં જ્યારે પણ આફ્રિકાની મુલાકાત લીધી છે ત્યારે બ્રિટિશ માલસામાન માટે લોકોની ઈચ્છા વિશે સાંભળ્યું છે. હું યુગાન્ડા અને રવાન્ડા તથા બ્રિટન માટે પણ મારી સ્વાહિલી ભાષાની જાણકારી અને વેપારના અનુભવના ઉપયોગ માટે તત્પર છું.’