લંડનઃ પહેલીવાર જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે અશ્વેત અને વંશીય લઘુમતી બેનિફિટ દાવેદારોને સેંકડો પાઉન્ડની પેનલ્ટી અને યુનિવર્સલ ક્રેડિટ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે પોતાના શ્વેત સમકક્ષ દાવેદારોની સરખામણીમાં 58 અશ્વેત, 72 ટકા વંશીય લઘુમતી અને 5 ટકા એશિયન યુનિવર્સલ ક્રેડિટ દાવેદારોને પ્રતિબંધનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.
નોકરી છોડી દેનારા સામે કડક સંકેત આપવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી આ પ્રતિબંધોનો ઉપયોગ વિવાદાસ્પદ રહ્યો છે. આ પ્રકારના પ્રતિબંધોના કારણે દાવેદારોને ફૂડ બેન્કના ઉપયોગ, નબળી માનસિક અને શારીરિક તંદુરસ્તી અને આર્થિક દેવા જેવી આકરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
બ્લેક ઇક્વિટી ઓર્ગેનાઇઝેશનના ચીફ એક્ઝિક્યુટિવ ટીમી ઓકુવાએ જણાવ્યું હતું કે, આ આંકડા એ વાત પૂરવાર કરે છે કે વેલ્ફેર સિસ્ટમ અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયોને અપ્રમાણસર દંડિત કરે છે. એક્ટિવિસ્ટોએ સરકાર સમક્ષ માગ કરી છે કે બેનિફિટ્સ સિસ્ટમ દ્વારા વંશીય લઘુમતી સમુદાયના દાવેદારો સાથે ન્યાયી વર્તાવ કરાશે તેવી બાંયધરી આપવામાં આવે અને આ આંકડા પર સરકાર જવાબ આપે.
પબ્લિક લો પ્રોજેક્ટના કેરોલિન સેલમેને જણાવ્યું હતું કે, જનતા જાણવા માગે છે કે પ્રતિબંધના નિર્ણયો ન્યાયી રીતે થાય છે કે કેમ.