લંડનઃ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં વસતાં હરિભક્તોમાં અનેરો આનંદઉલ્લાસ વર્તાય છે. વડતાલ ધામના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, ચેરમેન દેવ સ્વામી, એસજીવીપી-છારોડીના વડા માધવપ્રિયદાસજી સ્વામી, સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી વગેરે સંતો દેશવિદેશમાં ફરીને સંપ્રદાયના અનુયાયીઓથી લઇને મહાનુભાવોને રૂબરૂ આમંત્રણ આપી રહ્યા છે. દેશવિદેશના આમંત્રિત મહાનુભાવોમાં વડાપ્રધાન રિશી સુનાકનું નામ પણ ઉમેરાયું છે.
હાલ બ્રિટનમાં વિચરણ કરી રહેલા આ વરિષ્ઠ સંતગણે વડાપ્રધાન રિશી સુનાકને વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન હોવાનું બહુમાન ધરાવતા રિશી સુનાક સંસદીય ચૂંટણીના અતિશય વ્યસ્ત પ્રચાર કાર્યક્રમ વચ્ચે સોમવારે કેન્ટનના હેરો સ્થિત કચ્છ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે હાજરી આપી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ બોબ બ્લેકમેને વડાપ્રધાન સુનાકને હિન્દુ સમુદાયનું ગૌરવ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે.’ આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ વડાપ્રધાન સુનાકને હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. તેનો સહર્ષ સ્વીકાર કરતા વડાપ્રધાન સુનાકે કહ્યું હતું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ.
સુનાક આપણી યુવા પેઢી માટે પ્રેરકઃ સંત સ્વામી
આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા ડો. સંત સ્વામીએ કહ્યું હતું કે રિશી સુનાક આજે બ્રિટનમાં વડાપ્રધાન જેવા સર્વોચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં હિન્દુ હોવાનું જાહેરમાં સ્વીકારે છે. રિશી સુનાક ખરા અર્થમાં યુવા પેઢીના પ્રેરક - આઇકન હોવા જોઇએ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રમુખ સુરેશભાઇ, સેક્રેટરી રિકીનભાઇ અને સેવકોએ વ્યવસ્થા ગોઠવી હતી.