અમદાવાદ: ભારતની સૌપ્રથમવાર મુલાકાતે આવી રહેલા યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દિલ્હીથી નહીં પણ ગુજરાતથી તેમનો પ્રવાસ શરૂ કરશે. તેઓ 21 અને 22 એપ્રિલ દરમ્યાન ભારતમાં રહેશે. ગુજરાતમાં આવીને તેઓ મોટા મૂડીરોકાણની જાહેરાત કરે તેવી સંભાવના છે.
વિદેશમાંથી જ્યારે કોઈ પણ મહાનુભાવ ભારત આવે છે ત્યારે પ્રથમ મુલાકાત દિલ્હીની કરતા હોય છે પરંતુ બોરિસ જહોન્સન ગુજરાતથી તેમનો પ્રવાસ શરૂ કરી રહ્યાં છે. બોરિસ જ્હોન્સન વડોદરામાં બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ યુનિટ જેસીબીની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. 22મી એપ્રિલે તેઓ દિલ્હીમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
પ્રવાસ પૂર્વે જ્હોન્સને કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક તરીકે ઓળખાતું ભારત બ્રિટન માટે મહત્ત્વનું ભાગીદાર છે. યૂક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને હુમલા પછી ભારત આવનારા જોન્સન યુરોપના પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ છે. બોરિસ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે.
ઐતિહાસિક ઘટના
દુનિયાના શક્તિશાળી રાષ્ટ્ર બ્રિટનનું નેતૃત્વ કરતા વડા પ્રધાન બોરિસ જોન્સન તેમનો બે દિવસનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે અને આ ઘટના ઐતિહાસિક અને ખૂબ મોટી હોવા છતાં 21મી એપ્રિલનો તેમનો કાર્યક્રમ છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બ્રિટનના વડા પ્રધાનનું સ્વાગત કરશે.
યુકેમાં ગુજરાતી ડાયસ્પોરા....
બોરિસ જ્હોન્સન માટે ગુજરાતને તેમની પ્રાથમિકતા યાદીમાં મૂકવાનું મુખ્ય કારણ યુકેમાં વસતો ગુજરાતી ડાયસ્પોરા છે. ગુજરાતીઓનો ત્રીજો સૌથી મોટો વિદેશી ડાયસ્પોરા યુકેમાં છે. યુકેમાં રહેતા ભારતીય સમુદાયના લગભગ અડધા ભાગના છે. અંદાજે 1.2 મિલિયન ભારતીયો હાલમાં યુકેમાં રહેતા હોવાનો અંદાજ છે, જેમાં 6 લાખ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ડાઉનિંગ સ્ટ્રીટ અનુસાર બોરિસ જ્હોન્સન ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન બનશે.
ગાંધી આશ્રમની મુલાકાતે
સૂત્રો કહે છે કે, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ગુરુવારે - 21મીએ સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના છે અને રાત્રે 9.30 વાગે અમદાવાદ એરપોર્ટથી જ દિલ્હી પરત જવાના છે. આ સાડા તેર કલાકના રોકાણ દરમિયાન બોરિસ જ્હોન્સન સૌ પ્રથમ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે.
ગૌતમ અદાણીને મળશે
બાદમાં તેઓ ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જવાના છે અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા વડોદરા પહોંચી ત્યાંથી મોટરમાર્ગે હાલોલ ખાતે આવેલા બ્રિટિશ કંપનીના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં તેમના રોકાણ માટે આશ્રમ રોડ ઉપર આવેલી એક ખાનગી ફાઇવ સ્ટાર હોટેલમાં વ્યવસ્થા ગોઠવાઈ છે.
અગાઉ એવા અહેવાલ હતા કે તેઓ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે યુકે અને ભારત વચ્ચે સમૃદ્ધ વેપાર અને સંબંધો અંગે મીટીંગ યોજીને ચર્ચા કરશે.
ગુજરાતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જેમાં ઘરઆંગણે નોકરી અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. તેઓ આધુનિક વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પર નવા સહયોગની જાહેરાત કરશે.
જંગી મૂડીરોકાણની જાહેરાત થશે?
સૂત્રોએ એક પણ સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન્સ સાથે બોરિસ જોન્સનની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી અને તેઓ વડા પ્રધાન મોદીને 22મી એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. એમની મુલાકાત અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી સાથે ગોઠવાઇ હોવાનું જાણવા મળે છે. ટોચના સૂત્રો એવું પણ કહે છે કે બોરિસ જોન્સન શાંતિગ્રામ ટાઉનશિપ ખાતે આવેલી અદાણી જૂથની વડી કચેરીએ જઈ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરવાના છે.
દિલ્હીમાં ભવ્ય સ્વાગત
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યુકેના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બંને દેશોના વડાપ્રધાન રોડમેપ 2030ના અમલીકરણની સમીક્ષા પણ કરશે. તેઓ ઈન્ડો પેસેફિકમાં ગાઢ ભાગીદારી અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે.
લોખંડી બંદોબસ્ત
તેઓની સુરક્ષા માટે શહેરના બે આઈપીએસ અધિકારી, ચાર ડિવાયએસપી સહિત 500 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે. તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે બ્રિટનના આ સુપ્રીમ નેતાના કાર્યક્રમોનું ટાઇમ શિડ્યુઅલ જાહેર કરવામાં આવતું નથી.