વડા પ્રધાન થેરેસા મે ૬-૮ નવેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાત લેશે

રુપાંજના દત્તા Monday 17th October 2016 12:28 EDT
 
 

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી યુનાઈટેડ કિંગ્ડમના વડા પ્રધાન થેરેસા મે ૬થી આઠ નવેમ્બર, ૨૦૧૬ના ત્રણ દિવસોએ ભારતની સત્તાવાર મુલાકાત લેશે તેમ લંડનના ભારતીય હાઈ કમિશનની અખબારી યાદીમાં જણાવાયું છે. થેરેસા મેએ વડા પ્રધાનનો હોદ્દો ધારણ કર્યા પછી યુરોપની બહાર આ તેમની પ્રથમ ઓવરસીઝ દ્વિપક્ષી મુલાકાત છે. આ મુલાકાતમાં વડા પ્રધાન મે યુકે અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા તેમજ ગાઢ સંપર્કો અને સહકારના નિર્માણ વિશે વડા પ્રધાન મોદી સાથે ચર્ચા હાથ ધરશે. આ સાથે ઘરઆંગણે નોકરીઓનું સર્જન થાય અને ઈયુ રેફરન્ડમ પછી બ્રિટિશ અર્થતંત્રની મજબૂતીમાં માર્કેટનો વિશ્વાસ દર્શાવે તેવા સંખ્યાબંધ કોમર્શિયલ સોદાઓ પર હસ્તાક્ષર કરાશે.

ભારતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મે અને વડા પ્રધાન મોદી સંયુક્તપણે ઈન્ડિયા-યુકે ટેક સમિટનું ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન મેની સાથે મુખ્યત્વે લઘુ અને મધ્યમ બિઝનેસીસ સહિત વેપાર પ્રતિનિધિમંડળ પણ પ્રવાસમાં સામેલ થશે. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ મિ. લીઆમ ફોક્સ ઈન્ડિયા-યુકે જોઈન્ટ ઈકોનોમિક ટ્રેડ કમિટી (JETCO)નું સહ-અધ્યક્ષસ્થાન સંભાળવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પણ વડા પ્રધાન મેની ભારત મુલાકાતમાં તેમની સાથે રહેશે. નવી દિલ્હીમાં નવેમ્બર ૭ અને ૯ વચ્ચે યોજાનારા ઇન્ડિયા-યુકે ટેક સમિટનું આયોજન ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં યુકેના યુનિવર્સિટીસ સાયન્સ રીસર્ચ એન્ડ ઈનોવેશન વિભાગના મિનિસ્ટર જો જ્હોનસન મુખ્ય વકતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૫માં યુકેની મુલાકાત લીધી ત્યારે કરેલી મહત્ત્વની જાહેરાતોમાં આ દ્વિપક્ષીય સમિટનો પણ સમાવેશ થયો હતો.

૬૦ વર્ષીય વડાપ્રધાન મે પોતાના પ્રથમ ટ્રેડ મિશનમાં શ્રેષ્ઠ બ્રિટિશ બિઝનેસના ઉદાહરણ ભારત લઈ જશે. યુકેના વિવિધ વિસ્તારોમાંથી પસંદ કરાયેલા બિઝનેસ પ્રતિનિધિમંડળમાં કાર્ડિફસ્થિત સાયબર સિક્યુરિટી કંપની જીઓલાંગ, સાઉથ-ઈસ્ટની ક્રીએટિવ એનર્જી કંપની ટોર્ફટેક, કેમ્બ્રીજની સ્માર્ટ સિટી સોલ્યુશન્સ સંબંધિત કંપની ટેલેન્સાનો પણ સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે નોંધપાત્ર ટ્રેડર, ફાઈનાન્સિયલ એનાલિસ્ટ તેમજ એશિયન વોઈસના કટારલેખક અલ્પેશ પટેલ પણ વડા પ્રધાન મેના ભારત જનારા પ્રતિનિધિમંડળમાં જોડાશે.

ભારત મુલાકાત અગાઉ બોલતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે,‘આપણે યુરોપિયન યુનિયનને છોડી રહ્યા છીએ ત્યારે યુકે માટે આપણા ખંડની આગળ વધી વ્યાપક વિશ્વમાં નવી આર્થિક અને રાજદ્વારી વૈશ્વિક ભૂમિકાના નિર્માણની તક આપણી સમક્ષ છે. હું આ તક ઝડપી લેવાં માટે મક્કમ છુ. આપણે ટ્રેડ મિશન સાથે ભારત જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક સંદેશો પાઠવીશું કે યુકે મુક્ત વેપાર માટે સૌથી ઉત્સાહી, સાતત્યપૂર્ણ અને સૌથી પ્રતીતિજનક હિમાયતી બની રહેશે. ભૂતકાળમાં ટ્રેડ ડેલિગેશન્સનું ધ્યાન મોટા બિઝનેસીસ પર રહેતું હતું પરંતુ, હું સંપૂર્ણપણે બ્રિટ્રિશ બિઝનેસીસને માન્યતા આપતો નવો અભિગમ અપનાવવાં માગું છું. આથી, આ વખતે લઘુ અને મધ્યમ કક્ષાના બિઝનેસીસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે અને મહત્ત્વની બાબત એ પણ છે કે યુકેના તમામ વિસ્તારોમાંથી ડેલિગેશનં પ્રતિનિધિત્વ મળશે. હું વાસ્તવમાં દરેક માટે કાર્યરત અર્થતંત્રનું સર્જન કરવાં ઈચ્છું છું અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ મિશન્સ તરફનો આ નવો અભિગમ તેને હાંસલ કરવામાં મદદરૂપ બની રહેશે.’

‘આપણા બે દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે અને આપણા રાષ્ટ્રીય જીવનમાં ભારતીય ડાયસ્પોરા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં હું બંને દેશો માટે લાભકારી, નોકરીઓ અને સંપત્તિના સર્જન તેમજ ડીફેન્સ અને સિક્યુરિટી જાળવવા સંબંધોના નિર્માણને આગળ વધારીશ.’

વડા પ્રધાન મે ભારતના બે શહેરની મુલાકાત લેશે. તેઓ રાજધાની નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદીની સાથે ઈન્ડિયા-યુકે ટેક સમિટનું ઉદ્ઘાટન કરશે. સાઉથ એશિયાની સૌથી મોટી ટેકનોલોજી કોન્ફરન્સ ટેર સમિટ બંને દેશો વચ્ચે ટેકનોલોજી સંબંધિત વેપારને આગળ વધારવાનો મંચ પૂરો પાડશે.

આ પ્રવાસ વડા પ્રધાન મે માટે બીજી ભારત મુલાકાત બની રહેશે. તેઓ હોમ સેક્રેટરી હતાં ત્યારે ૨૭-૨૯ નવેમ્બર ૨૦૧૨માં તેમણે નવી દિલ્હી અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મેએ ઇયુની બહાર યુકેના સંબંધોને ઉત્તેજન આપવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે ચાવીરૂપ દેશો તરીકે ભારતનો ઉલ્લેખ અવારનવાર કર્યો છે. બ્રેક્ઝિટ પછીના સમયગાળામાં આ મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

યુકેમાં ભારતીય મૂળના આશરે ૧.૫ મિલિયન લોકો વસે છે ત્યારે ભારતીય ડાયસ્પોરા આપણા રાષ્ટ્રીય જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત હવે આપણા માટે બીજા ક્રમનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નોકરીસર્જક દેશ છે. ગયા વર્ષે ભારતે ૧૪૦ પ્રોજેક્ટ મારફત નવી ૭,૧૦૫ નોકરીનું સર્જન કર્યું હતું અને યુકેમાં ભારતીય કંપનીઓ સમગ્રતયા ૧૦૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપે છે. આપણા બંને દેશો વચ્ચે અનોખા સંબંધો છે અને હજુ તેમાં વૃદ્ધિની વિપુલ ક્ષમતા છે. ગત બે વર્ષ દરમિયાન યુકેમાં મુખ્ય પાંચ ભારતીય ઈન્વેસ્ટમેન્ટ્સ આ મુજબ છેઃ

• JLRનું ૯૭ મિલિયન પાઉન્ડનું રોકાણ, ૩,૮૨૦ નોકરીનું સર્જન

• ટાટા મોટર્સનું ૮૪ મિલિયન પાઉન્ડનું રોકાણ, ૧,૮૨૫ નોકરીનું સર્જન

• ફર્સ્ટસોર્સનું ૩૧ મિલિયન પાઉન્ડનું રોકાણ, ૬૭૮ નોકરીનું સર્જન

• નેતરવાલાનું ૨૦ મિલિયન પાઉન્ડનું રોકાણ, ૧૫૨ નોકરીનું સર્જન

• ઈન્ડિયા બુલ્સનું ૬૬ મિલિયન પાઉન્ડનું રોકાણ, ૧૫૦ નોકરીનું સર્જન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter