ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાની મધ્યમાં આદેશની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન સાથે ગુફતેગો અને આ દેશના વિશાળ ભારતીય ડાયસ્પોરા સાથે તેમની વાતચીતની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ભારતીય મૂળના ૧૫ લાખ લોકોએ ગ્રેટ બ્રિટનને પોતાનું ઘર બનાવી લીધું છે. તેમણે બ્રિટિશ બનવાનું પસંદ કર્યું છે, બ્રિટિશપણાને અપનાવી લીધું છે અને બ્રિટિશ હોવાનો ગર્વ પણ અનુભવે છે. આવો વિશાળ સમુદાય બ્રિટિશ સમાજ પર તેમજ શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગસાહસિકતા પર વ્યાપક અસર ઉપજાવવા સાથે જીવનના તમામ ક્ષેત્રોમાં હિસ્સેદાર બની રહ્યો છે. તેઓ ઘણાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાના વતનના રાષ્ટ્ર અને અપનાવેલા દેશ દેશ વચ્ચે મજબૂત અને બહુહેતુક સેતુનું નિર્માણ પણ કરી રહ્યા છે.
લગભગ ૧૦ વર્ષના અંતરાલ પછી ભારતીય વડા પ્રધાન બ્રિટનની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન કેમરન, તેમની સરકાર અને અન્ય રાજકીય મહાનુભાવો તેમજ વેપાર-વાણિજ્ય ક્ષેત્રના અગ્રણીઓ અને બ્રિટિશ ભારતીયો બન્ને દેશો માટે અકલ્પનીય તકો ધરાવતી ઈન્ડો-બ્રિટિશ ભાગીદારીના બહુવિધ લાભ બાબતે ઉત્સાહિત છે.
વડા પ્રધાન મોદીએ અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે, તેમને મળેલા નેતાઓ સાથે એકરાગ સ્થાપિત કર્યો છે. વિવિધ ભૂમિઓમાં વસતાં ભારતીયોમાં ઉર્જાનો સંચાર કરવા સાથે તેમણે ભારતની વિશેષ છબી ઉપસાવી છે.
તેમને અસર કરતા વિવિધ વિષયો પરત્વે ભારત સરકાર કેવાં પગલાં લેશે તે અંગે બ્રિટિશ ભારતીયોની અપેક્ષાઓ જાણવી માનનીય વડા પ્રધાન મોદીને અવશ્ય ગમશે.
જો તમારી પાસે નીચે જણાવેલાં વિષયો અંગે વિચારો અથવા સૂચનો હોય તો મહેરબાની કરી ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને ટપાલ અથવા [email protected]પર વહેલી તકે લખી મોકલશો, જેથી તમારી અપેક્ષાઓ અને અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતું સર્વગ્રાહી આવેદનપત્ર ઘડવામાં અમને મદદ મળી શકે.
આપણે એક બાબત સ્પષ્ટ કરી દઈએ કે આ દેશમાં વસતા આપણે સૌ આ દેશની અંદરની ચિંતાઓ કે ફરિયાદો સંબંધે ભારતીય વડા પ્રધાન પાસેથી કોઈ મદદ ઈચ્છતા નથી. આપણી સ્થાનિક સમસ્યા કે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે મેળવવું તે આપણે સારી રીતે જાણીએ છીએ.
બીજું એ પણ છે કે મુલાકાતી વડા પ્રધાન આપણી ‘આંતરિક બાબતો’માં સંડોવાય તેવી અપેક્ષા રાખવી અયોગ્ય અને શિષ્ટાચાર વિરુદ્ધ લેખાશે.
(૧) ભારતનો પ્રવાસ કરવા માટે વિઝા અને OCIનિયમો વિશે તમારા મંતવ્યો શું છે?
(૨) લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર અથવા યુકેમાં અન્ય કોઈ સ્થળે ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક વિશે તમારો શું અનુભવ કે માન્યતા છે?
(૩) ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ્સ, બેન્ક ડિપોઝીટ, પ્રોપર્ટી, લેન્ડ, શેર અને અન્ય રોકાણોની સુરક્ષા અને સલામતી વિશે તમારી કોઈ સમસ્યાઓ છે?
(૪) તમે આવતી કાલના વિશ્વમાં બહેતર ભારત માટે સ્વૈચ્છિક ભાગીદાર કેવી રીતે બનશો? તમારા પ્રસ્તાવ અને સૂચનો આવકાર્ય છે.
(૫) અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની જરુરિયાત.
ભારતને ફરીથી મહાન બનાવવા મદદરુપ અન્ય કોઈપણ સૂચનો.
આવેદનપત્રને આખરી ઓપ આપવામાં આવશે અને સપ્ટેમ્બરની શરુઆતમાં વડા પ્રધાન મોદીને મોકલી અપાશે. તમારા પ્રતિભાવો સોમવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવાનું આમંત્રણ છે.