લંડનઃ બ્રેક્ઝિટ સંદર્ભે બ્રસેલ્સ સાથેની લડાઈ વધુ કઠોર થતી જણાય છે ત્યારે વડા પ્રધાન થેરેસા મેની છથી આઠ નવેમ્બર સુધીની ભારત મુલાકાત બ્રિટન માટે વધુ મહત્ત્વપૂર્ણ બની રહી છે. આ મુલાકાત વિશે બ્રિટનની આતુરતા આંખે ઉડીને વળગે તેવી છે, જેનો સંકેત સોમવારે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી સંબોધનમાં થેરેસા મેએ પોતાની ભારત મુલાકાત અને તેના મહત્ત્વના કરેલા નિર્દેશમાંથી મળે છે. યુકેના ૨૩ જૂનના બ્રેક્ઝિટ વોટ પછી પ્રાઈમ મિનિસ્ટર પદે બેઠાં પછી મિસિસ મેની યુરોપિયન યુનિયન બહાર પ્રથમ દ્વિપક્ષી મુલાકાત છે. મુખ્યત્વે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેમની ટીમમાં ૧૬૦થી વધુ લોકો હશે. વડા પ્રધાન મે દિલ્હી અને બેંગલુરુની મુલાકાત લેશે.
પત્રકારો માટે આશિષ રાય દ્વારા આયોજિત ડિનર સમારંભમાં ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે ભારતીય પક્ષ આ મુલાકાત દરમિયાન સરળ વિઝા સવલત તેમજ પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા ત્રાસવાદ અંગે ચોક્કસ વલણ ધરાવવા સંબંધે કેટલીક સ્પષ્ટ વાતો કરશે. પટનાઈકે કહ્યું હતું કે, ‘જો તમે વિદ્યાર્થીઓ, પર્યટકો, પ્રોફેશનલ્સના શોર્ટ-ટર્મ માઈગ્રેશનની છૂટ નહિ આપો તો અમારે વધુ ગુમાવવું નહિ પડે. બ્રેક્ઝિટ પછી તમારે ભારતીયોની જરૂર પડશે. અમારું પર્યટક જૂથ ફ્રાન્સથી જ પરત આવ્યું હતું તેનું કહેવું હતું કે વિઝાની તકલીફોના કારણે બ્રિટન આવશો નહિ.’
પટનાઈક સાથે તેમના પત્ની પૂનમ પટનાઈક પણ આવ્યાં હતાં. તેઓ ઓસ્ટ્રિયાના વિયેનામાં શિક્ષક છે અને બે પુત્રીઓ સાથે ૧૧ વર્ષથી ત્યાં રહ્યાં છે. એક ભાષાશાસ્ત્રી હોવાં સાથે તેઓ સાત ભાષા સરળતાથી બોલી શકતાં હોવાનું કહેવાય છે.
વડા પ્રધાન મે હાલ ચીન માટે રખાઈ છે તેવી પાઈલોટ વિઝા સર્વિસને વિસ્તારી પર્યટકોને સરળ, લાંબી અને સસ્તી સેવા આપવાની જાહેરાત કરે તેવી ધારણા છે. આ યોજના અન્વયે બે વર્ષ માટે માન્ય યુકે વિઝા ૮૭ પાઉન્ડની ફીમાં અપાય છે. આટલી જે કે તેથી વધુ ફી આપવા છતાં ભારતીયોને મહત્તમ છ માસના વિઝા મળે છે. ભારતીયોને બે વર્ષના વિઝા માટે ૩૩૦ પાઉન્ડ ફી ખર્ચવી પડે છે.
વિદ્યાર્થીઓને નેટ માઈગ્રેશન આંકડામાંથી દૂર કરવાની માગણી મે સતત નકારતાં રહ્યાં છે, તેના વિશે પટનાઈકે કહ્યું હતું કે,‘કોઈ પણ વ્યાખ્યા હેઠળ વિદ્યાર્થીઓ, પર્યટકો અને ટુંકી મુદતના અન્ય મુલાકાતીઓને માઈગ્રન્ટ ગણી ન શકાય.’ તેમણે ઉમેર્યું હતું કે બન્ને દેશો વચ્ચેની કડીઓને જોતાં બ્રિટન કે ભારતમાં કોઈ પણ પક્ષ શાસન પર હોય, ગાઢ સંબંધોનું મહત્ત્વ વિશેષ છે. બ્રિટન માટે બ્રેક્ઝિટ પછીના સંજોગોમાં ભારત જેવા જૂના ભાગીદાર સાથે મજબૂત સંપર્કો અગાઉ કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.