લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સંસદીય સમિતિ સમક્ષ દાવો કર્યો હતો કે વડાપ્રધાન તરીકે મળતા હતા તેનાથી વધુ નાણા તેમને ગ્રીનસિલના પાર્ટ-ટાઈમ સલાહકાર તરીકે મળ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ફાઈનાન્સ કંપનીમાં શેર્સ સહિત તેમનું મોટું આર્થિક ઈન્વેસ્ટમેન્ટ હતું. જોકે, કંપની વતી તેમમે મિનિસ્ટર્સનું લોબિઈંગ કર્યું ત્યારે તેઓ નાણાથી પ્રેરિત ન હતા અને રાષ્ટ્રહિતમાં કામ કરતા હોવાનું માનતા હતા.
માર્ચ મહિનામાં ભાંગી પડેલી ગ્રીનસિલની તપાસ ત્રણ પાર્લામેન્ટરી કમિટીઓ દ્વારા ચાલે છે. કેમરને ટ્રેઝરી કમિટીને જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ મહામારીના આરંભકાળની આસપાસ ગ્રીનસિલ કેપિટલના વતી મિનિસ્ટર્સ અને અધિકારીઓ પર વગ પાથરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ નિયમો તોડ્યા ન હતા. અભૂતપૂર્વ કટોકટીના સમયમાં નાણાકીય યોજનાઓ ઝડપથી ઘડાતી હતી ત્યારે મિનિસ્ટર્સ અને અધિકારીઓને સીધા કોલ કરવા અને સંદેશા ટેક્સ્ટ કરવાનું તેમના માટે યોગ્ય જ હતું. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ભવિષ્યમાં વડા પ્રધાનોએ માત્ર પત્ર અને ઈમેઈલનો જ ઉપયોગ કરવો જોઈએ અને પોતાને વધુ નિયંત્રિત રાખવા જોઈએ. તેમણે ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓ લેનારા મિનિસ્ટર્સ અને અધિકારીઓ માટે નિયમો વધુ સખત બનાવવા જોઈએ તેની તરફેણ પણ કરી હતી.
ગ્રીનસિલની પડતી થયા પહેલા તેમને કંપની પાસેથી ૬૦ મિલિયન પાઉન્ડનો લાભ થવાનો હતો તેવા અહેવાલોને કેમરને ફગાવ્યા હતા.કહ્યું હતું કે ગ્રીનસિલ કેપિટલની પડતી તેમના માટે ભારે અફસોસજનક રહી હતી અને તેમાંથી મહત્ત્વના પાઠ શીખવા મળ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ટ્રેઝરી સીલેક્ટ કમિટી સમક્ષ વિડિયે લિન્કથી બોલતા કેમરને ગ્રીનસિલ ખાતે તેમનો ચોક્કસ કેટલો પગાર હતો તે જણાવવા વારંવાર ઈનકાર કરી આ બાબત અંગત હોવાનું કહ્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યાના બે વર્ષ પછી તેઓ ગ્રીનસિલમાં જોડાયા હતા. કેમરને ૨૦૧૬માં વડા પ્રધાનપદ છોડ્યું ત્યારે તેમને વાર્ષિક ૧૫૦,૪૦૨ પાઉન્ડ ચૂકવાતા હતા.