વડીલો જરા સાચવજો : થાક વધુ લાગવો, ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો અવગણતા નહીં, કોરોના હોઇ શકે

Saturday 02nd May 2020 16:32 EDT
 
 

વૃદ્ધોમાં વયના વધવાના કારણે રોગ પ્રતિકારશક્તિ નબળી પડતી હોવાથી કોરોનાનું સંક્રમણ થવા છતાં તાવ આવવો, શરદી થવી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જોવા મળે જ નહીં એવું બની શકે છે. શ્વસનતંત્રને નિશાન બનાવતા બીજા વાઇરસની જેમ કોવિડ-૧૯ની વર્તણૂંક પણ બહુધા એવી જ છે. તે નાક, મોં અને સંભવતઃ આંખ વાટે શરીરમાં ઘૂસે છે. આ વાઇરસની ઘૂસણખોરીને પગલે શરીરમાં બળતરા થવી, શરદી થવી કે તાવ આવવા જેવી પ્રતિક્રિયા જોવા મળી શકે છે. આ વાઇરસ ધીરે ધીરે શરીરમાં પ્રસરતો હોય છે અને એ બાદ ફેફસાં ઉપર હુમલો કરતો હોવાને કારણે શરીરમાં બળતરા થતી હોય છે અને તેના પગલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા માંડતી હોય છે.

વૃદ્ધોએ ખાસ કાળજી લેવી રહી

નિષ્ણાતો કહે છે કે વૃદ્ધોમાં કોરોનાના સામાન્ય લક્ષણોને બદલે સામાન્ય કરતાં વધુ થાક લાગવો, ભૂખ ઓછી લાગવી અને વધુ મૂંઝાયેલા લાગવું, ભ્રમિત લાગવું અને સંતુલન ગુમાવી ચૂક્યા હોય એવા લક્ષણો જોવા મળી શકે છે. ડોક્ટરોએ વૃદ્ધોના પરિવારજનો અને કેરટેકર્સને ચેતવણી આપી છે કે આ લક્ષણોને વધતી વયનું પરિણામ સમજીને નજરઅંદાજ ન કરવા જોઇએ અને વૃદ્ધો ઝડપથી મોતના મુખમાં ધકેલાઇ જાય એ પહેલાં મદદ માંગવી જોઇએ.

નબળી રોગ પ્રતિકારશક્તિ

વૃદ્ધોના શરીરમાં લિમ્ફેસાઇટ્સ જેવા ઇમ્યૂન કોષો વયના વધવા સાથે આળસુની જેમ ધીમો પ્રતિભાવ આપતા થઇ જતા હોય છે. આથી શરીરમાં કોઇ વાઇરસ પ્રવેશી જાય છે ત્યારે વૃદ્ધોની રોગ પ્રતિકારશક્તિ તેનો વળતો જવાબ ઘણો જ ધીમો અને ઓછી આક્રમકતાથી આપે છે. સરેરાશ વ્યક્તિ ચેપની સામે પ્રતિકારશક્તિના પ્રતિભાવરૂપે જ શરદી થવી, તાવ આવવો અને શરીરમાં દાહ
બળવા જેવા લક્ષણો અનુભવતી હોય છે, પરંતુ આ લક્ષણ વૃદ્ધોમાં જોવા મળતા નથી. વૃદ્ધોનું શરીર યુવાનોની જેમ તાપમાનને અસરકારક રીતે નિયંત્રિત કરી શકતું નથી, તેથી લક્ષણો અન્ય પ્રકારે જોવા મળે છે.

લોહીમાં ઓક્સિજન જોખમી હદે ઘટવા છતાં...

રહસ્ય તો એ છે કે ઘણા વૃદ્ધોમાં વાઇરસના આક્રમણ છતાં શ્વાસની તકલીફ પણ જોવા મળતી નથી, અને છતાં તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જોખમી હદે નીચું જતું રહ્યું હોય છે. આપણું શરીર જુદી જુદી વયે જુદી જુદી રીતે કામ કરતું હોય છે. મતલબ કે વયના વધવા સાથે થતાં ફેરફારોનો અર્થ એ કે આપણે વાઇરસના આક્રમણ વેળા જુદી જુદી રીતે પ્રતિભાવ આપતા હોઇએ છીએ.
ઘણા વૃદ્ધોના શરીરની આ પ્રક્રિયા ધીમી પડવા માંડે છે અને વયના વધવા સાથે તે બદલાવ થતો રહે છે. વૃદ્ધત્વના આગળ વધવા સાથે શરીરમાં રહેલું બોનમેરો એવા લડાકુ કોષો ઓછા પેદા કરે છે, જેનું મુખ્ય કામ - વાઇરસનો હુમલો ખાળીને તેનો નાશ કરવાનું હોય છે.

શું તમે સિનિયર સિટિઝન છો? તો આટલી કાળજી અવશ્ય લો

• ઘરમાં રહો સુરક્ષિત રહો • ઘરમાં મુલાકાતીઓને આવતા અટકાવો • મુલાકાત જરૂરી જ હોય તો સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરો • ઘરમાં એકલા રહેતા હો તો સ્વસ્થ પાડોશીઓની મદદ વડે જીવનજરૂરી ચીજવસ્તુઓ મંગાવો • નાના-મોટા કોઈ પણ સમારોહમાં જવાનું ટાળો • ઘરમાં ભલે હો, મોબાઈલ ફોન હંમેશા હાથવગો જ રાખો • ઘરમાં જ રહીને હળવી કરસત અને યોગ કરો • સતત હાથ ધોતા રહો, ખાસ તો જમ્યા બાદ તેમજ વોશરૂમના ઉપયોગ બાદ. ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સાબુ અને પાણીથી હાથ ધૂઓ • ભોજન ગરમ લો - જ્યુસ હંમેશા તાજો પીઓ • જીપીની સલાહ મુજબ નિયમિત દવાઓ લો • જો તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત તબીબી માર્ગદર્શન મેળવો • જો ફેમિલી મેમ્બર્સ સાથે ન રહેતા હોય તો તેમની સાથે ફોન કોલ કે વીડિયો કોન્ફરન્સથી સંપર્કમાં રહો • ગરમીના દિવસોમાં ડિહાઇડ્રેટ થતા બચો, વધારે પાણી પીઓ (હાર્ટ અને કિડનીની બીમારી ધરાવતા વ્યક્તિઓ આની ખાસ કાળજી લે) • કોરોના વાઇરસનાં લક્ષણો (તાવ, ખાંસી, શ્વાસની તકલીફ) જોવા મળતા વ્યક્તિની નજીક જવાનું ટાળો • મિત્રોને ભેટવાનું કે હાથ મિલાવવાનું ટાળો • બગીચો, માર્કેટ કે ધાર્મિક સ્થળ સહિતના જેવા ભીડભાડવાળા સ્થળે ન જાવ • આંખ, મોઢું અને નાકને વારંવાર અડકો નહીં • જાતે કોઈ પણ બીમારીનો ઉપચાર ન કરો • હોસ્પિટલમાં નિયમિત મેડિકલ ચેકઅપ કરાવતા રહો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter