લંડનઃ માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ઠંડીના કારણે ફ્રોસ્ટ બાઈટની સર્જરી કરાવવી પડી હોવા છતાં વડોદરાની ૩૦ વર્ષીય નિશા કુમારીના ગ્લોબલ વોર્મિંગ અંગે લોકોમાં જાગૃત્તિ લાવવા માટેના અભિયાન ઉપર કોઇ અસર પડી નહોતી. પોતાના કોચ ૪૭ વર્ષીય નિલેશ બારોટ સાથે નિશાએ વિશ્વભરમાં સાઇક્લિંગ કરીને લોકોને વિશેષ મેસેજ આપવાની યોજના તૈયાર કરી હતી. ૨૦૨૪ની ૨૩મી જૂને વડોદરાથી પોતાના અભિયાનની શરૂઆત કરનાર નિશાએ વાયા નેપાળ, ચીન, ઉઝબેકિસ્તાન, રશિયા, લેટવિયા થઈને લંડન ખાતે પોતાનો અંતિમ તબક્કો પૂરો કર્યો હતો. આ સફર દરમિયાન નિશા અને તેના કોચે ૧૫ દેશમાં થઈને ૨૧૦ દિવસની મુસાફરીમાં કુલ ૧૬,૬૯૭ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પોતાના કપરા અનુભવ અંગે નિશાએ જણાવ્યું હતું કે અમે જે પણ દેશમાંથી પસાર થયા હતા તેમાં ભારતીય હાઈ કમિશને અમને તમામ પ્રકારનો સહકાર આપ્યો હતો. સફર દરમિયાન અમે કુલ ૧૦૫૦ વૃક્ષોનું પ્લાન્ટેશન પણ કર્યું હતું. અમે પ્રત્યેક દિવસે ૧૦૦ કિલોમીટર સાઇક્લિંગ કરવાનો ટાર્ગેટ રાખતા હતા. સફર દરમિયાન અમે એક દિવસે ૨૦૦ પ્લસ કિલોમીટર પણ કાપ્યા હતા પરંતુ એક જગ્યાએ પર્વતોના કારણે અમે માત્ર ૫૮ જેટલા કિલોમીટર કાપી શક્યા હતા.
સફર દરમિયાન નડેલી મુશ્કેલીઓ અંગે નિશાએ જણાવ્યું હતું કે રશિયામાં માઇનસ ૨૦ ડિગ્રી જેટલી ઠંડી રહેતી હતી અને ચોમેર બરફ હોવાના કારણે સાઈકલિંગ કરવું મુશ્કેલ બનતું હતું. અમારે વિશેષ સ્પાઈક્સવાળા શૂઝનો ઉપયોગ કરવો પડતો હતો. વિવિધ દેશનો અલગ ટાઈમ ઝોન હોવાની બાબતને અમે ધ્યાનમાં રાખીને પ્રત્યેક દિવસનો વિશેષ પ્લાન કરતા હતા. રશિયાની આસપાસના વિસ્તારમાં અમે બરફના તોફાનનો પણ સામનો કર્યો હતો. ઠંડીના કારણે મારી સર્જરીવાળી આંગળીઓમાં વધારે દુખાવો થતો હતો. ચીનના લોકોએ અમને ઘણો સપોર્ટ કર્યો હતો. પ્લસ એન્ડ માઈનસવાળી સફર હોવા છતાં અમે ચેન્જ બિફોર ક્લાઈમેટ ચેન્જ અભિયાન પૂરું કરવામાં સફળ રહ્યા હતા.