લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, જે લોકો માઇગ્રેશન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે તેઓ ફાર રાઇટ બની જતાં નથી. ઇમિગ્રેશન અંગેની જનતાની ચિંતાઓ વ્યાજબી છે.
શું તમે ઇમિગ્રેશનનો વિરોધ કરી રહેલા લોકોને ફાર રાઇટ તરીકે જુઓ છો તેવા સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ના.. દેશના ઘણા લોકો ઇમિગ્રેશન અંગે ચિંતિત છે પરંતુ તેઓ સડકો પર ઉતરીને હિંસા કરતા નથી. આપણે તેમને જમણેરી કટ્ટરવાદી કહી શકીએ નહીં. તેઓ એકસમાન નથી. જનતાની ઇમિગ્રેશન પરની ચિંતા વ્યાજબી છે અને તેની ચર્ચા થવી જોઇએ.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જ્યારે જનતા કહે છે કે માઇગ્રેશન ઘણું વધી ગયું છે ત્યારે હું તેમની સાથે સહમત છું. વધી રહેલા ઇમિગ્રેશન પાછળ છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલી કૌશલ્ય નિષ્ફળતાઓ પણ જવાબદાર છે. આપણે કુશળ કામદારો તૈયાર કરવા પડશે. આ એક તંદુરસ્ત ચર્ચા છે અને આપણે તેનાથી ભાગતા ફરવું જોઇએ નહીં. પરંતુ હું સડકો પર ફેલાવાતી હિંસા સાથે સહમત નથી. ઇમિગ્રેશન અંગે ચિંતા વ્યક્ત કરી રહેલા લોકોને હિંસા ફેલાવતા ફાર રાઇટ્સ ઠગો સાથે સરખાવવા જોઇએ નહીં.
તમે કેટલી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સને આવકારશો તેવા સવાલના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું ચોક્કસ સંખ્યા આપવા માગતો નથી પરંતુ નેટ માઇગ્રેશનમાં ઘટાડો થવો જ જોઇએ. હાલ નેટ માઇગ્રેશનના આંકડા ઘણા ઊંચા છે. જો આપણે કુશળ કામદારો તૈયાર કરીશું તો નેટ માઇગ્રેશનમાં ચોક્કસ ઘટાડો થશે.