લંડનઃ દરરોજ વધુ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ શાકભાજી અને ફળો ખાવાથી સ્ટ્રેસ-તણાવનું જોખમ ઘટે છે. એક અથવા ઓછાં સર્વિંગ લેનારાની સરખામણીએ રોજ ત્રણ-ચાર સર્વિંગ લેનારા લોકોમાં સ્ટ્રેસનું જોખમ ૧૨ ટકા જેટલું ઘટે છે. મહિલાઓમાં તો દિવસમાં શાકભાજીના પાંચ-સાત સર્વિંગ લેવામાં આવે તો સ્ટ્રેસનું જોખમ ૨૩ ટકા ઘટે છે.
ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ સિડનીના સંશોધકોએ ૪૫ અને તેથી વધુ વયના ૬૦,૦૦૦ નાગરિકો પરના અભ્યાસમાં તેમના શાકભાજી-ફળો લેવાનું પ્રમાણ, લાઈફસ્ટાઈલના પરિબળો અને માનસિક તણાવને ૨૦૦૬-૦૮ અને ૨૦૧૦ એમ બે વખત આવરી લીધો હતો. માનસિક વ્યગ્રતા માપવા માટે કેસલર સાયકોલોજિકલ ડિસ્ટ્રેસ સ્કેલનો ઉપયોગ કરાયો હતો.
અગાઉના અભ્યાસોએ દર્શાવ્યું છે કે પાલક જેવાં ઘેરાં અને પાંદડાદાર લીલાં શાકભાજી ફોલેટ તત્વથી સમૃદ્ધ હોય છે, જે મગજમાં મિજાજને સ્થિર બનાવતાં સેરોટોનિન અને ડોપામાઈન રસાયણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. માત્ર ફળો લેવાંથી સ્ટ્રેસ ઘટતો નથી. ફળો અને શાકભાજી મધ્યમ પ્રમાણમાં લેવાથી ફાયદો મળે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને આ લાભ વધુ મળે છે.