• શરદી-કફમાં તત્કાળ જીપી પાસે ન દોડોઃ જો તમને કફ, શરદી કે ગળામાં બળતરા હોય અને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી જણાતી હોય તો તત્કાળ જીપી પાસે એન્ટિબાયોટિક્સ લેવાં દોડી જવાના બદલે ઓછામાં ઓછાં પાંચ દિવસ રાહ જોવી જોઈએ. જો હાલતમાં સુધારો ન જણાય તો જ ડોક્ટર પાસે જવું જોઈએ. સુપરબગ્સની વૃદ્ધિને ધીમી પાડવા માટે હેલ્થ નિષ્ણાતો દ્વારા પેશન્ટ્સને આવી સલાહ અપાય છે.
• સોનામાં રોકાણની લોકોને રોયલ મિન્ટની સલાહઃ રોયલ મિન્ટે સામાન્ય લોકો માટે ટ્રેડિંગ વેબસાઈટ ખુલ્લી મૂકી તેમના માટે પણ સેવાની ઓફર કરી છે. સેંકડો વર્ષોથી રાજાઓ, રાણીઓ અને સરકારોને સોનાના સિક્કા પૂરાં પાડતી રોયલ મિન્ટે લોકોને સોનામાં ઈન્વેસ્ટ કરવા પ્રોત્સાહન આપ્યું છે. રોયલ મિન્ટ લોકોને કહે છે કે કિંમતી ધાતુ સુવર્ણની ખરીદી કરવી તે હવે પ્રમાણમાં પોસાય તેવી છે.
• £૩૦,૦૦૦ની ફીની ડીગ્રીઓ પણ નોકરી અપાવતી નથીઃ બ્રિટનની સૌથી ખરાબ પાંચ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલી ફી ખર્ચ્યા પછી પણ પ્રોફેશનલ નોકરી મેળવવાની કે વધુ અભ્યાસ કરવા માટે બેમાંથી એક કરતા ઓછી તક સાંપડે છે. તાજેતરના યુનિવર્સિટી રેન્કિંગ અનુસાર લંડન મેટ્રોપોલીટન યુનિવર્સિટીના ૫૪ ટકા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયાના છ મહિના પછી પણ પ્રોફેશનલ નોકરી મેળવી શકતાં નથી. અહીં ડીગ્રી માટે અભ્યાસ કરનારા ત્રીજા ભાગના વિદ્યાર્થી અભ્યાસ પૂરો કરી શકતાં નથી. લંડન સાઉથ બેન્ક, બોલ્ટન અને ઈસ્ટ લંડન જેવી સૌથી નીચેની પાંચ યુનિવર્સિટીઓ પણ ગ્રેજ્યુએશન પછી નોકરી અને અભ્યાસ પૂર્ણ થવાની બાબતે આવી જ સ્થિતિ ધરાવે છે. આનાથી વિપરીત, પ્રથમ સ્થાનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ૮૦થી 9૯૦ ટકા વિદ્યાર્થી છ મહિનાની અંદર નોકરી મેળવી શકે છે.
• તરુણ વિદ્યાર્થીઓ માટે જાતીય રોગોનાં પરીક્ષણોઃ બ્રાઈટનની અનેક સેકન્ડરી શાળાઓમાં તરુણ વિદ્યાર્થીઓ માટે સેક્સ સંક્રમિત રોગો (STD) ના પરીક્ષણો ઓફર કરવામાં આવે છે. જોકે, પેરન્ટ્સ દ્વારા આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે, તો કેટલાંકે પોતાને આ વિશે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું છે. એક પેરન્ટે જણાવ્યું હતું કે તેમની પુત્રીને આ ટેસ્ટ ઓફર કરાયો ત્યારે તેને અજુગતું લાગ્યું હતું. જોકે, બ્રાઈટન એન્ડ હોવ કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના સરકારી માર્ગદર્શિકાઓ સાથે સુસંગત છે.
• વ્હાઈટ ગુડ્સ માટે સલામતી નિયમો કડક બનાવાશેઃ બેકો કંપનીના ફ્રીજ-ફ્રીઝરના કારણે લાગેલી આગમાં સંતોષ બેન્જામિન-મુથૈયાહનું નવેમ્બર ૨૦૧૦માં મોત પછી વ્હાઈટ ગુડ્સ માટે સલામતી નિયમો કડક બનાવાશે. પોતાના ઘરમાં લાગેલી આગમાંથી ત્રણ વર્ષ તથા ત્રણ મહિનાની બે પુત્રીને બચાવવા જતા સંતોષે જાન ગુમાવ્યો હતો. બેકો વિશ્વમાં વ્હાઈટ ગુડ્સની નિર્માતા કંપનીઓમાં અગ્રણી છે. કંપનીના ફ્રીજ-ફ્રીઝરથી ઈજા કે મોતનું જોખમ હોવાની ગંભીર ચેતવણી ૨૦૦૮માં અપાઈ હતી. અગાઉ, બેકોએ તેના ઉત્પાદનો આગ માટે જોખમી હોવાનો રિપોર્ટ ફગાવી દીધો હતો.