લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ શાળાની વર્ષ 2024 માટેની સ્પર્ધાના 3 ફાઇનલિસ્ટમાં હેરોના સ્ટેનમોરમાં આવેલી હિન્દુ શાળા અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલને હેલ્ધી લાઇવ્ઝ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. લંડનના મેયર સાદિક ખાને આ માટે શાળાને અભિનંદન પાઠવ્યાં છે.
સાદિક ખાને જણાવ્યું હતું કે, વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ માટે અવંતિ હાઉસનું નોમિનેશન પ્રશંસનિય બાબત છે. હું શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને તેમની આકરી મહેનત માટે અભિનંદન પાઠવું છું. શાળા વિદ્યાર્થીઓની તંદુરસ્તીને કેન્દ્રસ્થાને રાખીને શારીરિક અને માનસિક આરોગ્યનો અભ્યાસ કરાવે છે. જેના પગલે શાળાએ પ્રભાવક પરિણામ હાંસલ કર્યાં છે.
વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝનો પ્રારંભ વર્ષ 2022માં ટી4 એજ્યુકેશન, એસેન્ટ્યોર, અમેરિકન એક્સપ્રેસ અને લિમેન ફાઉન્ડેશન દ્વારા કરાયો હતો. શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે સારી કામગીરી કરનારી વિશ્વની શાળાઓને પુરસ્કૃત કરાય છે. ઓક્ટોબરમાં દુબઇ ખાતે આયોજિત વર્લ્ડ સ્કૂલ સમિટમાં તેના વિજેતાની ઘોષણા કરાશે. વિજેતાને 50,000 ડોલરનું ઇનામ અપાશે.
અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ સ્ટેટ હિન્દુ સ્કૂલ છે. તે મૂલ્યો આધારિત અભ્યાસ અને તેના એજ્યુકેશન મોડેલ માટે જાણીતી છે. શાળાના અભ્યાસક્રમમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તીને સમાવી લેવામાં આવ્યાં છે.