લંડનઃ એક અભ્યાસમાં દાવો કરાયો છે કે આગામી એક દાયકામાં એટલે કે વર્ષ 2035 સુધીમાં યુકેમાં દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ માઇગ્રન્ટ હશે. અભ્યાસ અનુસાર માઇગ્રન્ટ ક્રાઇસિસના કારણે બ્રિટનના કરદાતાઓ પર 234 બિલિયન પાઉન્ડનો બોજો પડશે અને દરેક પરિવારે કરવેરા પેટે વધારાના 8200 પાઉન્ડ ચૂકવવા પડશે.
સેન્ટર ફોર માઇગ્રેશન કન્ટ્રોલ ફંડના રિપોર્ટ અનુસાર 2035 સુધીમાં યુકેમાં વસતા દર 4 વ્યક્તિમાં એક માઇગ્રન્ટ હશે. વર્ષ 2035 સુધીમાં બ્રિટનની વસતી 75.36 મિલિયનને પાર કરી જશે. જેમાં 18.2 મિલિયન લોકો વિદેશમાં જન્મેલા હશે.
આગામી દાયકામાં કેટલા વિદેશમાં જન્મેલા લોકો બ્રિટન પહોંચશે, કેટલા બ્રિટન છોડીને જશે અથવા તો કેટલાંના મોત થશે તેનો અંદાજ ધરાવતો આ રિપોર્ટ ઓએનએસના આંકડા પરથી તૈયાર કરાયો છે.
સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર આગામી એક દાયકામાં બે મિલિયન માઇગ્રન્ટ્સને બ્રિટનમાં રેસિડન્સી રાઇટ્સ મળી જશે. તેના કારણે અર્થતંત્ર પર 234 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. રોબર્ટ બેટ્સે જણાવ્યું હતું કે, સામુહિક માઇગ્રેશનના કારણે જાહેર સેવાઓ પર પ્રચંડ દબાણ સર્જાશે એ વાત કોઇ નકારી શકે તેમ નથી.