લંડનઃ આપણે બધા ઈસુના નવા વર્ષ ૨૦૨૦માં પ્રવેશી ગયા છીએ. આ વર્ષના ભાવિના ગર્ભમાં શું છુપાયું હશે તે જાણવાનો ઈન્તજાર રહે તે સ્વાભાવિક છે. અમેરિકાના ૯/૧૧ હુમલાની આગાહી કરનારાં બલ્ગેરિયાના અંધ ગૂઢવાદી અને ‘નોસ્ટ્રેદોમસ ઓફ બાલ્કન્સ’ તરીકે પ્રખ્યાત બાબા વાન્ગાના કહેવા અનુસાર ૨૦૨૦માં મુસ્લિમ ત્રાસવાદીઓ રાસાયણિક હુમલાથી યુરોપને નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર હત્યાનો પ્રયાસ થશે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અજાણી જીવલેણ બીમારીનો ભોગ બની જશે. આ સિવાય, પુતિને રશિયા પર ખાબકનારા વિશાળ ઉલ્કાપિંડની પણ ચિંતા કરવી પડશે. જોકે, વાન્ગાની ઘણી આગાહીઓ સાચી પડી નથી તે પણ પહીકત છે.
અગાઉની કેટલીક આગાહી ખતરનાક રીતે સાચી પડવાથી અંધ બલ્ગેરિયન ગૂઢવાદી અને દિવ્યદૃષ્ટા વાન્ગેલિયા પાન્ડેવા દિમિત્રોવા (બાબા વાન્ગા) ઘણું જાણીતું નામ બની ગયું છે. આમ તો, ૧૯૯૬ના ઓગસ્ટમાં ૮૪ વર્ષની વયે મોત થયાને ૨૩ વર્ષ વીતી જવા છતાં તેમની આગાહીઓ ૫૦૭૯ના વર્ષ સુધીના ગાળાને આવરી લેતી હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૨૦ માટે તેમની આગાહી વ્હાઈટ હાઉસ, ક્રેમલિન અને યુરોપની પ્રજા માટે ચિંતાજનક છે. અંધ ભવિષ્યવેત્તાના અનુયાયીઓ વર્ષોથી યુરોપની પડતીની આગાહીનો ઉલ્લેખ કરતા રહે છે પરંતુ, હજુ સુધી કોઈ આફત આવી નથી. યુરોપનું ‘અસ્તિત્વ ૨૦૧૬થી મટી જશે’ની આગાહીને ઈયુમાંથી બહાર નીકળવાના રાજકીય ઉથલપાથલ મચાવનારા ૨૦૧૬ના બ્રિટિશ રેફરન્ડમ સાથે સાંકળી લેવાઈ હતી.
બાબા વાન્ગાની મુખ્ય આગાહીઓ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને અજાણી જીવલેણ બીમારી લાગશે. ટ્રમ્પ માટે કહેવાયું છે કે ટ્રમ્પ બ્રેઈન ટ્યુમરનો શિકાર બનશે જેનાથી તેઓ બહેરા બની જશે અને કદાચ મૃત્યુ પણ થઈ શકે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ક્રેમલિનમાં જ તેમની હત્યાનો પ્રયાસ ખાળવો પડશે પરંતુ, તેઓ બચી જશે કે કેમ તેની સ્પષ્ટતા થતી નથી. હકીકતમાં પુતિનની હત્યાનો પ્રયાસ ૨૦૧૨માં નિષ્ફળ બનાવાયો હતો. જોકે, ટ્રમ્પ અને પુતિન આશ્વાસન લઈ શકે છે કે તેમના માટે ૨૦૧૯ના સંદર્ભે કરાયેલી આગાહી પણ અત્યંત ખરાબ હતી અને તે સાચી પડી નથી. આ ઉપરાંત, યુરોપ સામે મુસ્લિમ ત્રાસવાદીઓના હાથે રાસાયણિક શસ્ત્રોના હુમલાનું જોખમ રહેલું છે. તેની સામે એમ કહેવાય છે કે યુરોપમાં ‘મહાન મુસ્લિમ યુદ્ધ’ની આગાહી પણ સાચી પડી નથી.
બાબા વાન્ગા ૧૨ વર્ષનાં હતાં ત્યારે વાવાઝોડાના કારણે મોતના દ્વારે પહોંચી તેમણે આંખ ગુમાવી હોવાનું કહેવાય છે. એવો દાવો કરાય છે કે આ પછી ભવિષ્યમાં ડોકિયું કરવાની અને લોકોને સાજા કરવાની દૈવી શક્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ હતી. તેમના અનુયાયીઓ કહે છે કે બાબાએ ૨૦૦૧માં જ અમેરિકા પરના ૯/૧૧ના હુમલાની આગાહી કરતા કહ્યું હતું કે ‘સ્ટીલના બે પક્ષીઓ’ અમેરિકાના ભાઈઓ પર હુમલો કરશે અને ચારે તરફ લોહીની નદીઓ વહેશે.’ હાઈ જેક કરાયેલા ચાર વિમાનો દ્વારા કરાયેલા હુમલાએ આગાહી સાચી ઠેરવી હોવાનું પણ કહેવાય છે. જોકે, બરાક ઓબામા અમેરિકાના અંતિમ પ્રમુખ બની રહેશેની આગાહી ટ્રમ્પે ૨૦૧૭માં ખોટી ઠેરવી છે. તેમની અન્ય આગાહીઓમાં ૨૦૨૮ સુધીમાં વિશ્વમાં ભીષણ ભૂખનો અંત, ૨૨૫૬ સુધીમાં મંગળ પરની વસાહતો દ્વારા અણુશસ્ત્રોનો સંગ્રહ તેમજ ૨૩૪૧ સુધીમાં પૃથ્વી વસવાને લાયક નહિ રહે તેનો પણ સમાવેશ થાય છે.