લંડનઃ હોમ સેક્રેટરી કુપરે આ વર્ષના અંત સુધીમાં 14,000 કરતાં વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે બે નવા ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર તૈયાર કરવાની પણ યોજના બનાવી છે.
હોમ સેક્રેટરી 2017 પછી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના સૌથી ઊંચા 6 માસિક દરને હાંસલ કરવા માગે છે. તેઓ અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા અમલી બનાવાયેલી યોજનાઓને આગળ ધપાવવા માગે છે. 2017માં સૌથી વધુ 32,720 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાયા હતા. ગયા વર્ષે 6 મહિનામાં 14,385ને દેશનિકાલ કરાયાં હતાં.
યુકેમાં રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા અને વિદેશી અપરાધીઓને તેમના વતનના દેશમાં મોકલી આપવા માટેના પ્રયાસોમાં મદદરૂપ થવા બે જૂના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરને ફરી શરૂ કરવાની પણ હોમ સેક્રેટરીએ જાહેરાત કરી છે. આ ડિટેન્શન સેન્ટરોમાં 290 લોકોને રહેવાની સુવિધા હશે.
માનવ તસ્કર ગેંગોને લક્ષ્યાંક બનાવવા 100 સ્પેશિયલ ઓફિસર નિયુક્ત કરાશે
કુપરે જાહેરાત કરી હતી કે ઇંગ્લિશ ચેનલ પાર કરીને નાની હોડીઓ દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને લઇ આવતી માનવ તસ્કર ગેંગોના સફાયા માટે નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા 100 સ્પેશિયાલિસ્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરની નિયુક્તિ કરાશે. તેના કારણે ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ અટકાવવામાં એનસીએના અધિકારીઓને વધુ મદદ મળી રહેશે.