લંડનઃ વિશ્વમાં દર વર્ષે વિવિધ કારણોસર 1.8 ટ્રિલિયન ડોલર (1.3 ટ્રિલિયન પાઉન્ડ) ની જંગી સબસિડી અપાય છે પરંતુ તેનાથી પર્યાવરણને જ નુકસાન થાય છે, વન્યજીવોનો નાશ થાય છે, ગરમીમાં વધારો થવા સાથે માનવજાતને લુપ્ત થવા તરફ દોરી જાય છે. વાસ્તવમાં આ સબસિડીના નાણાનો ખર્ચ પ્રકૃતિ માટે લાભકારી નીતિઓ અને નેટ ઝીરો એમિશન હાંસલ કરવા માટે થઈ શકે છે.
એમેઝોનમાં બીફ ઉત્પાદન માટે ટેક્સની રાહતોથી માંડીને મધ્ય પૂર્વમાં બિનટકાઉ ભૂગર્ભજળના પમ્પિંગ માટે નાણાકીય સહાય સુધી બિલિયન્સ પાઉન્ડનો સરકારી ખર્ચ અને અન્ય સબસિડી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. દેશના નાણામાંથી જ જળ પ્રદૂષણ, જમીન ઘટવા અને વનનાબૂદી જેવા કામ થાય છે.
ગયા વર્ષના યુએન રિપોર્ટ મુજબ દર વર્ષે ખેડૂતોને અપાતી લગભગ 90 ટકા સબસિડી હાનિકારક છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, આબોહવા સંકટને વેગ આપે છે, પ્રકૃતિનો નાશ કરે છે અને નાના ખેડૂતોને બાકાત રાખીને અસમાનતા તરફ દોરી જાય છે.
આ સબસિડીઓનો ખર્ચ મુખ્યત્વે ફોસિલ ફ્યૂલ ઈન્ડસ્ટ્રી ($620 બિલિ.), કૃષિ ક્ષેત્ર ($520 બિલિ.), પાણી ($320 બિલિ.) અને વનસંવર્ધન ($155 બિલિ.) પાછળ કરાય છે. આ ઉપરાંત, ઇકોસિસ્ટમને બિલિયન્સ ડોલરનું નુકસાન પહોંચાડતા ખાણકામ પાછળની સબસિડીનો કોઈ અંદાજ મેળવી શકાયો નથી. વિચિત્રતા એ છે કે IMF ના ગત વર્ષના રિપોર્ટ મુજબ 2020માં 5.9 ટ્રિલિયન ડોલરની સબસિડીથી ફોસિલ ફ્યૂલ ઈન્ડસ્ટ્રીને ભારે ફાયદો થયો હતો પરંતુ, પ્રદુષણથી થતાં મૃત્યુ અને વિશ્વમાં વધતી ગરમી સહિત નુકસાન પર્યાવરણને થયું હતું.