લેસ્ટરઃ રિવર આઈલેન્ડ અને ન્યૂ લુક જેવી હાઈસ્ટ્રીટ ચેઈન માટે કપડાં બનાવતી લેસ્ટરની ત્રણ ફેક્ટરી તેના કામદારોને મિનિમમ વેજ કરતાં ખૂબ ઓછું કલાકદીઠ ૩ પાઉન્ડનું વેતન ચૂકવતી હોવાનું ચેનલ 4ના કર્યક્રમ ‘ડિસ્પેચીસ’ને ખાનગી તપાસમાં જણાયું હતું. કાર્યક્રમમાં દરેક ફેક્ટરીના માલિકે તેમના કર્મચારીઓને મિનિમમ વેજ કરતાં ઓછું વેતન ચૂકવાતું હોવાનો ઈનકાર કર્યો હતો.
એક કિસ્સામાં તો માલિક કેમેરા સામે એમ બોલી ગયા હતા કે તેમની કંપનીને બાંગ્લાદેશ અને ચીન સાથે સીધી સ્પર્ધા હોવાથી તેઓ કામદારોને વધુ રકમ ચૂકવવા સક્ષમ નથી. દરેકને કલાક દીઠ ૧૦ અથવા ૬ પાઉન્ડ ચૂકવીએ તો અમને નુક્સાન જાય. ડોક્યુમેન્ટરી ‘અંડરકવરઃ બ્રિટન્સ ચીપ ક્લોથ્સ’માં દર્શાવ્યા મુજબ ન્યૂ લુક માટે કપડાં બનાવતી ફેક્ટરી દ્વારા જણાવાયું હતું કે કામદારોને આખા અઠવાડિયાના કામ પેટે ૧૧૦ પાઉન્ડ ચૂકવાય છે, જ્યારે ન્યૂ લુકે જણાવ્યું હતું કે એપ્રુવ્ડ સપ્લાયરે તેની જાણ બહાર આ ફેક્ટરીને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો..
આ ડોક્યુમેન્ટરીમાં ઓનલાઈન રિટેલર બુહુ અને મિસગાઈડેડ માટે કપડાં તૈયાર કરતી ત્રીજી ફેક્ટરીમાં ખૂબ જોખમી અને બિસ્માર હાલતવાળા બિલ્ડીંગમાં કામદારો કામ કરતા જણાયા હતા. તેની છત ખૂબ નીચી હતી અને બધે ધૂમાડો હતો. ઘણી વખત ત્યાં આગ પણ લાગતી હોય છે.
ગત ચાર વર્ષમાં બુહુનો ઓપરેટિંગ પ્રોફિટ ૨૬૦,૦૦૦ પાઉન્ડથી વધીને ૧૫.૩ મિલિયન પાઉન્ડ થયો છે. ૨૦૦૯માં મિસગાઈડેડ શરૂ કરનારા નીતિન પાસ્સીની નેટવર્થ ૬૫ મિલિયન પાઉન્ડ છે. રિવર આઈલેન્ડ દ્વારા જણાવાયું હતું કે બે ઓડિટમાં ખામી જણાયા બાદ ગયા ફેબ્રુઆરીમાં તેના માટે કપડાં બનાવતી ફેક્ટરીને એપ્રુવ્ડ લિસ્ટમાંથી બાકાત કરાઈ હતી.