રવિવાર ૨૮ નવેમ્બર ૨૦૨૧ની સાંજે ગુજરાતના વરિષ્ઠ IAS અધિકારી માનનીય સોનલબહેન મિશ્રા યુ.કે.વાસી ગુજરાતીઓને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૨માં હાજરી આપવાનું નિમંત્રણ રૂબરૂ પાઠવવા પધાર્યાં હતાં.
હેરોના સંગત કોમ્યુનિટી હોલમાં ભારતીય હાઇ કમિશન, લંડન-યુ.કે અને CII – કન્ફડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી, iNDEXTb – ઇન્ડસ્ટ્રીયલ એક્શન બ્યુરોના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં કડકડતી ઠંડી, ટૂંકી મુદત હોવા છતાં મોટી સંખ્યામાં લંડનવાસીઓ પધાર્યા એનું કારણ એમનો વતન પ્રેમ હોવાનું માનનીય સોનલબહેન મિશ્રાએ એમના સંબોધનમાં જણાવ્યું હતું.
ભારતીય હાઇ કમિશન, લંડન-યુ.કે ના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમીક્સ, પ્રેસ અને ઇન્ફોર્મેશન)શ્રી રોહિતભાઇ વઢવાણાએ બહેનનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, સોનલબહેન ૧૯૯૭ની બેચના IAS અધિકારી છે. લાંબી ઉજળી કારકિર્દી ધરાવે છે.
ભારતીય હાઇ કમિશન, લંડન-યુ.કે ના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમીક્સ, પ્રેસ અને ઇન્ફોર્મેશન)શ્રી રોહિતભાઇ વઢવાણાએ બહેનનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, સોનલબહેન ૧૯૯૭ની બેચના IAS અધિકારી છે. લાંબી ઉજળી કારકિર્દી ધરાવે છે.
શરૂઆતમાં ગુજરાતની સર્વાંગી વિકાસનું પ્રેઝન્ટેશન પ્રોજેક્ટર પર CII ના વડા સુશ્રી લક્ષ્મીબહેન કૌલ અને FICCIના શ્રી પરમ શાહે કર્યું હતું. હાલની કોવીદની કટોકટીભરી સ્થિતિને કારણે ગુજરાતથી સોનલબહેન મિશ્રા અને આદિત્યભાઇ ભટ્ટ, ગુજરાત સરકારના ઓફિસર, બે જણનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. તેઓ બે જ જણ હતા પરંતુ એમની સાથે ગુજરાતની અસ્મિતાનો પૂંજ લઇ આવ્યા હતા. કદમાં નાના અને નાજુક સોનલબહેનની રજુઆતમાં જુસ્સો અને કર્તવ્ય નિષ્ઠા ભારોભાર ટપકતાં હતાં.
વીસેક વર્ષથી દર બે વર્ષે યોજાતી સમીટ ગુજરાત રાજ્યના વિકાસની અને મૂડીરોકાણકારો માટેની તકો ઉભી કરવા માટેનો યશ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ડાયનેમીક લીડરશીપ, વીઝન અને પોલીસીમાં સસ્ટેનીબીલીટી તેમજ તેમના દુનિયાભરના દેશો સાથે વૈશ્વિક જોડાણને આપ્યો હતો. સૌને એમનામાં વિશ્વાસ છે. ગુજરાત એક ભરોસાપાત્ર સ્થળ છે એમ કહેતાં સોનલ બહેને જણાવ્યું કે ગુજરાતીઓના ડી.એન.એ.માં જ વ્યાપાર, સાહસિકતા અને શાંતિપ્રિયતા છે. વિદેશી મૂડી રોકાણ માટેનું હબ ગુજરાત છે. જે તે દેશ માટેની ડેડીકેટેડ ડેસ્ક રાખવામાં આવી છે.
ભારતભરના કુલ નિકાસમાં ૨૧% હિસ્સો ગુજરાતનો છે. જેનું મૂલ્ય ૬૦.૫ બિલિયન ડોલર છે. ગુજરાતનો માલ અને સર્વિસીસ ૧૮૦ દેશોમાં જાય છે.
ગુજરાત જ એવું રાજ્ય છે જે *ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટસ *જેમ્સ અને જ્વેલરી * સેનેટરી અને સિરેમિક્સ * કેમીકલ્સ અને પેટ્રોકેમીકલ્સ *ફાર્મા અને મેડીકલ ડીવાઇસીસ *ટેક્સટાઇલ્સ અને એપ્રેલ ગારમેન્ટ્સ *એગ્રો અને ફુડ પ્રોસેસીંગ * એજ્યુકેશન અને હેલ્થકેર *ગ્રીન ઇકોનોમી આદી બધા જ ક્ષેત્રે અગ્રગણ્ય છે. રોડ, રેલ, એર, બંદર બધી જ વાહન વ્યવહાર અને હેરાફેરી માટેની સારી સુવિધા ઉપલબ્ધ છે. પાણી, ગેસ, ઇલેકટ્રીસીટી, કર્મચારીઓ વગેરેની અછત નથી.
આવા કારણોસર જ આ સમીટનું થીમ પણ "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" રખાયું છે. ગુજરાત સાથે ૧૫ દેશોની ભાગીદારી છે એમાં યુ.કે.નું અનુદાન પણ નોંધપાત્ર છે. દર વર્ષે યુ.કે.થી મોટું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવે છે.
ત્રણ વિડીયો પ્રેઝન્ટેશનમાં ધ્રોલેરા સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને ગીફ્ટ સીટી વિશાળ વિસ્તારમાં આકાર લઇ રહ્યું છે. ત્યાં મૂડી રોકાણની સુવર્ણ તક વિષયક માહિતી આપવામાં આવી હતી. જેનું વિહંગાવલોકન નિહાળી ઉપસ્થિત ગુજરાતીઓએ ગર્વભેર એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.
શ્રી આદિત્યભાઇ ભટ્ટે "વતન પ્રેમ"ની યોજના પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આપ આપના ગામના વિકાસમાં અનુદાન નોંધાવવા ઇચ્છતા હો તો ૬૦% તમારા અને ૪૦% સરકારના અને વધુ હિસ્સો ધરાવવો હોય તો પણ થઇ શકે છે.
ભારતીય હાઇ કમિશન, લંડન-યુ.કે ના ફર્સ્ટ સેક્રેટરી શ્રી રોહિતભાઇ વઢવાણાએ ટૂંકમાં ભારત અને બ્રિટન વચ્ચેના બીઝનેસ અને કોમ્યુનિટી લીંક વિષયક ગુજરાત રાજ્ય સાથેના સંબંધો પર સવિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમ યોજવામાં સહાયભૂત થનારાઓનો આભાર માન્યો. સવિશેષ સંગત સેન્ટરનો હોલ આપવા માટે શ્રી કાન્તીભાઇ નાગડાનો, જ્યોત્સનાબેન શાહનો અન્ય વ્યવસ્થા માટે, ભોજનવ્યવસ્થા માટે જીતુભાઇ પટેલનો અને ઉપસ્થિત સજ્જન-સન્નારીઓનો ઋણ સ્વીકાર કર્યો.
શ્રી કાન્તીભાઇએ સંસ્થાની આછેરી ઝલક રજુ કરતા કહ્યું કે, અમારૂં સદ્ભાગ્ય છે કે આ સેન્ટરનું ઉદ્ઘાટન મહારાણીના નાના પુત્ર ડ્યુક અને ડચેસના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે કાનૂની સલાહ-સૂચનો ને ટ્રીબ્યુનલ, ઇમિગ્રેશન, વેલફેર બેનીફીટ્સ, મેટ્રીમોનીઅલ્સ જેવા કેસીસમાં જેઓ સોલીસિટર્સની ફી આપવા સમર્થ ન હોય તેઓને મદદ કરે છે.
તાજેતરમાં પેનેડેમીકનો ભોગ મુખ્યત્વે ૬૦ વર્ષની ઉમરના ભાઇ-બહેનો બન્યા હતા. એમને એકલતા ન સાલે, કુટુંબ તથા સમાજ સાથેની લીંક જળવાઇ રહે તે માટે જરૂરતમંદોને ઘરે ઘરે જઇ ૨૮ લેપટોપનું વિતરણ કર્યું હતું.
સમગ્ર ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરતા "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના એડીટર/ પ્રકાશક શ્રી સી.બી.પટેલે એમની હળવી શૈલીમાં સોનલબેનની ગુજરાતી અને અંગ્રેજીમાં ગુજરાતના સર્વાંગી વિકાસની હ્દય સ્પર્શી રજુઆત તેમજ વિચક્ષણતા માટે અભિનંદન આપતા જણાવ્યું કે, “તમે અમને અમારા ઘરે લઇ ગયા". યુ.કે.ના ગુજરાતીઓની
૧૦ લાખ જેટલા ગુજરાતીઓના વ્યવસાયિક, ધંધાકીય, સાંસ્કૃતિક, રાજકીય વિકાસગાથાની વાત કરતા ઉમેર્યું કે, એકજ વિષયમાં ગુજરાતીઓ પાછળ છે. ગુનાખોરી માટે જેલમાં જનારાઓમાં! નવનાત વણિક એસોસિએશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એમના ૩૦૦૦ જ સભ્યો છે પરંતુ લંડનમાં સૌથી મોટું સેન્ટર એમનું છે.
૧૦૫ જેટલી ગુજરાતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એન.સી.જી.ઓ.ના પ્રેસિડેન્ટ શ્રી વિમળજી ઓડેદરા, શ્રી કચ્છ લેઉઆ પાટીદાર સમાજના પ્રસિડેન્ટ શ્રી વેલજીભાઇ વેકરીયા, મહાવીર ફાઉન્ડેશનના યુવા પ્રેસિડેન્ટ શ્રી નિરજ સૂતરીયા, જૈન વિશ્વભારતી લંડનના શ્રી રાજેશ જૈન, વગેરે અગ્રણીઓએ પોતપોતાની સંસ્થાઓનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. હેરોના પૂર્વ મેયર અને કાઉન્સિલર નીતિનભાઇ પારેખે જણાવ્યું કે આપણા ભાઇ-બહેનો રાજકારણમાં જોઇએ તેવા સક્રિય નથી. એમણે રાજકારણમાં રસ લઇ પ્રવેશવાનું આહ્વાન આપ્યું. કૃષ્ણાબેન પૂજારાએ એમની મહિલા એમ્પાવરમેન્ટની પ્રવૃત્તિ અને સાહેલી સંસ્થા વિષે જણાવ્યું.
૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૨ સ્થળ: પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૩૪ એકર જમીન વિસ્તારમાં એ પથરાયેલ છે. અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે ગુજરાતની ઉન્નતિથી ભારતની ઉન્નતિનું જોડાણનું થીમ જે અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભાગ લેવા જનારે રજીસ્ટ્રેશન માટે વીઝીટ કરો: www.vibrantgujarat.com
(ફોટોસૌજન્ય: રાજ બકરાણીયા)