લંડનઃ સમગ્ર વિશ્વના હજારો ડેલિગેટ્સ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજધાની ગાંધીનગરમાં ઉમટ્યાં છે. આ સંજોગોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની મિડલેન્ડ્સ શાખાએ બુધવાર, ૪ જાન્યુઆરીની સાંજે લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે જાગૃત કરવા સાથે તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા નોટિંગહામ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સેમિનારનું આયોજન કર્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ થયો હતો અને આ તેનું આઠમું વર્ષ છે. આ સમિટ નેટવર્કિંગ અને પારસ્પરિક લાભાર્થે પ્લેટફોર્મ પુરું પાડે છે.
સેન્ટર ઓફ નોટિંગહામ ઈન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ એસોસિયેશન (NIBPA) ખાતે અધ્યક્ષ રાજુભાઈ મિસ્ત્રીના વડપણ હેઠળના કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં પ્રોફેસર નાથુરામ પુરી, કાઉન્સિલરો રતિલાલ ગોવિંદ, રીટા પટેલ અને અબ્દુલ ઓસ્માન તેમજ નોટિંગહામ યુનિવર્સિટીના ડો. ગૌરાંગ વકીલ, વનનેસ થેરાપીઝના શિરિષ પટેલ, ઈન્ડિયન મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ યુકેના પ્રમુખ મિ. હમીદ મલિક અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રોફેસર સિલિયન રાયનનો સમાવેશ થયો હતો.
વિદાય લઈ રહેલા કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા મિ. જે. કે. શર્મા, યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના મિ. સ્ટીવ ટુગૂડ તેમજ એથનિક ફૂડ જાયન્ટ ઈસ્ટ એન્ડ ફૂડ્સના સ્થાપક અને ચેરમેન ટોની દીપ વોહરા MBE દ્વારા પ્રેઝન્ટ્શન્સ કરાયા હતા. પ્રશ્નોત્તર સત્રમાં કાઉન્સિલર રીટા પટેલે ગુજરાત સાથે સંપર્કો સાધવા આતુર પરંતુ, સમિટમાં હાજર ન રહી શકે તેવા લોકોને સલાહ આપવા મિ. જે. કે. શર્માને જણાવ્યું હતું. લેસ્ટરના એશ ગોવિંદે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અથવા IP વિશે ખાતરીના સંદર્ભે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
યુકે ભારતમાં સૌથી મોટું જી-૨૦ ઈન્વેસ્ટર છે. ‘ભારતના આર્થિક એક્સપ્રેસવે’ સમાન ગુજરાત ૬૦ મિલિયન લોકોનું નિવાસ છે, જે ભારતની વસ્તીના પાંચ ટકા થાય છે. ભારતમાં સૌથી આધુનિક રાજ્યોમાં દ્વિતીય ક્રમનું ગુજરાત તમામ ભારતીય નિકાસોમાં ૧૯ ટકા અને ભારતના જીડીપીમાં ૭.૫ ટકાનો હિસ્સો ધરાવે છે. બે આંતરરાષ્ટ્રીય અને ૧૬ ડોમેસ્ટિક એરપોર્ટ્સ સાથે ગુજરાત રાજ્ય ભારતના તમામ રાજ્યોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સેમિનારના અંતે નોટિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર હરદેવ સિંહે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સમિટ વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.vibrantgujarat.comની મુલાકાત લેવા વિનંતી છે.