લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાંથી વારસાગત લોર્ડની પદવી નાબૂદ કરવા માટેના ખરડાને હાઉસ ઓફ કોમન્સે મંજૂરી આપી દીધી છે. હાઉસ ઓફ કોમન્સમાં આ ખરડો 435 વિરુદ્ધ 73 મતથી પસાર કરી દેવાયો હતો. હવે આ ખરડો હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે. જો હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ આ ખરડાને મંજૂરી મળી જશે તો હાઉસ ઓફ લોર્ડસમાં પરિવારો દ્વારા વારસામાં અપાતી લોર્ડની પદવીનો અંત આવી જશે. હાઉસ ઓફ લોર્ડ્સમાં આવા લોર્ડ્સની બેઠક સંખ્યા 92 છે.
કન્ઝર્વેટિવ પાર્ટી આ ખરડાનો વિરોધ કરી રહી છે. શેડો કેબિનેટ ઓફિસ મિનિસ્ટર એલેક્સ બુઘાર્ટે આરોપ મૂક્યો છે કે સરકાર લેબર નેતાઓને હાઉસ ઓફ લોર્ડ્સમાં ગોઠવવા માટે સ્થાપિત ચકાસણી કરનારાઓને હટાવવા માગે છે.
ખરડા પર હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ સરકારને આ દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. કન્ઝર્વેટિવ સર ગેવિન વિલિયમસને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના બિશપોને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ સાંસદો દ્વારા તે પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.
લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં વારસાના આધારે લોર્ડની પદવીની વ્યવસ્થા નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીએ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોને 80 વર્ષે ફરજિયાત નિવૃત્ત કરવાનું પણ વચન આપ્યું હતું.