લંડનઃ વાર્ષિક દિવાળી મેળો રદ થવાના કારણે બર્મિંગહામના સોહો રોડના વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઇ છે. તેમનો દાવો છે કે દિવાળી મેળો રદ થવાના કારણે તેમના વેપારને મોટું નુકસાન થશે. દિવાળીના બે સપ્તાહ પહેલાં શરૂ થતા આ મેળામાં 30,000 કરતાં વધુ લોકો સામેલ થાય છે. મેળાના કારણે અહીંના વેપાર ધંધાની આવકમાં મોટો વધારો થતો હોય છે. સોહો રોડ બીઆઇડી દ્વારા નાણાના અભાવે આ મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચાંદની ચોકના માલિક જયા કોર્ટે જણાવ્યું હતું કે, મેળામાં સંખ્યાબંધ લોકો મુલાકાતે આવે છે અને હું તમામ માટે બફેટનું આયોજન કરું છું. આવકની દ્રષ્ટિએ આ દિવસ અમારા માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ હોય છે. અમે વધારાના કર્મચારી નિયુક્ત કરીએ છીએ. મેળો રદ થવાના કારણે અમે ઘણા હતાશ છીએ. સોહો રોડના વ્યસ્ત સમય પર મેળો મોટી અસર કરે છે.
રેડ સ્ટોન જ્વેલરીના શાહીલા મીર કહે છે કે મેળાના કારણે સોહો રોડ જીવંત બની જાય છે પરંતુ આ નિર્ણય હતાશાજનક છે. મારો ઉછેર જ દિવાળીના મેળા સાથે થયો છે. સી એન્ડ એસ હોમ સ્ટોરના મનજિત સિંહ કહે છે કે દિવાળીનો મેળો અમારી સંસ્કૃતિનો હિસ્સો છે. આ મેળાની મુલાકાતે ભારતથી પણ ઘણા લોકો આવતા હોય છે.
હોલેન્ડ એન્ડ બેર્રેટ જેવી બીગ ચેઇનના મેનેજર ટોની મેકકાલ્લા કહે છે કે સોહો રોડ પર યોજાતો મેળો વર્ષનો સૌથી મહત્વનો પ્રસંગ છે. દિવાળીના મેળાથી સમગ્ર સોહો રોડની રોનક જ બદલાઇ જાય છે. આ મેળો વિવિધ સંસ્કૃતિઓને એકજૂથ કરે છે. આગામી વર્ષે તેઓને તેમની ભૂલ સમજાશે.