લંડનઃ બ્રિટનના સૌથી મોટા નેટવર્ક પ્રોવાઇડર ઇઇએ વાલીઓને નવી ગાઇડલાઇન અંતર્ગત 11 વર્ષથી નાના બાળકોને સ્માર્ટ ફોન ખરીદી ન આપવા સૂચના આપી છે. ઇઇએ જણાવ્યું છે કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાઇટ્સ સાથેના સ્માર્ટ ફોનના સ્થાને તેઓ ફક્ત ટેક્સ્ટ કે કોલ કરી શકે તેવા ફોન આપવા જોઇએ.
કંપનીએ જણાવ્યું હતું કે જો વાલીઓ પોતાના 16 વર્ષથી નાના સંતાનોને સ્માર્ટ ફોન અપાવે છે તો તેમાં પેરેન્ટલ કન્ટ્રોલ સેટ કરવા જોઇએ. 13 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઇએ. અમે આ પગલાં બાળકોને ડિજિટલ વર્લ્ડમાં સુરક્ષિત રાખવા માટે લેવા જણાવી રહ્યાં છીએ.
સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી માનસિક આરોગ્ય જોખમાઇ શકે છે અને અમર્યાદિત ઇન્ટરનેટના કારણે બાળકને નુકસાન પહોંચી શકે છે.