લંડનઃ બ્રિટનમાં કાર ચોરી માઝા મૂકી રહી છે. 2023માં ગ્રેટર લંડનમાંથી 18,624 કાર ચોરાઇ હતી જ્યારે સમગ્ર દેશમાં કાર ચોરીની 64,087 ઘટના નોંધાઇ હતી. 2022ની સરખામણીમાં 2023માં કાર ચોરીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો હતો.
કાર ચોરી એક મોટો બિઝનેસ બની ગયો છે. ઇન્ટરનેશનલ નેટવર્ક ધરાવતી અને સુનિયોજિત ક્રિમિનલ ગેંગો દ્વારા આ ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. કાર ચોરીની તેના માલિક પર સીધી નહીં તો આડકતરી અસર પડે છે. કાર ચોરી માટે વીમાધારકને વીમા કંપનીઓ દ્વારા નાણા ચૂકવવામાં આવે છે. 2023માં વીમા કંપનીઓએ કાર ચોરીના દાવા પેટે 699 મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા. કાર ચોરીમાં ચૂકવાતા દાવામાં વધારાના કારણે કારના વીમાના પ્રીમિયમમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં કારના વીમા પ્રીમિયમમાં સરેરાશ 58 ટકાનો વધારો નોંધાયો છે.
બ્રિટનમાંથી ચોરાયેલી કારને ક્રેટમાં છૂપાવીને અન્ય દેશોમાં મોકલી દેવામાં આવે છે. આ માટે લંડનના મુખ્ય બંદર ટિલબરીનો ઉપયોગ થઇ રહ્યો છે. સૌથી વધુ કારની ચોરી ગ્રેટર લંડનમાંથી જ થતી આવી છે.