લંડનઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જને લંડનની કોર્ટે ૧૧ એપ્રિલે જામીન શરતોના ભંગ માટે દોષિત ઠરાવ્યા હતા. તેમની સામે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ટુંક સમયમાં સજાની જાહેરાત કરવામાં આવશે. આ ગુના બદલ તેમને મહત્તમ ૧૨ મહિનાની જેલની સજા થઈ શકે છે. સ્વીડન દ્વારા બળાત્કારના આરોપ પછી તેમના પ્રત્યાર્પણનો આદેશ પણ કરાયો હતો અને બ્રિટિશ કોર્ટ દ્વારા તેમને જામીન અપાયા હતા પરંતુ, તેમણે જામીનનો ભંગ કરી ઈક્વેડોરના દૂતાવાસમાં આશ્રય મેળવ્યો હતો.
સાઉથ અમેરિકન દેશ ઈક્વેડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જનો લગભગ સાત વર્ષનો રાજકીય આશ્રય પાછો ખેંચી લેવાના પગલે બ્રિટિશ પોલીસે ૧૧ એપ્રિલે તેમની એમ્બેસીમાંથી ધરપકડ કરી હતી. હવે યુએસને તેમના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. અસાન્જે પોતે દોષિત હોવાનું નકારી ઈક્વેડોર સરકારે અમેરિકાના દબાણ હેઠળ રાજકીય આશ્રય પાછો ખેંચ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. વિકીલિક્સના સ્થાપક અસાન્જે તેમના યુએસમાં પ્રત્યાર્પણ સામે કાનૂની લડત આપવા બ્રિટન અને યુએસની ધરખમ અને સફળ બેરિસ્ટર્સની કાનૂની ટીમની સેવા ભાડે લીધી છે અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રત્યાર્પણને પડકાર આપશે. આ ટીમમાં ગેરેથ પીઅર્સ, એડવર્ડ ફિટ્ઝિરાલ્ડ QC અને બેન કૂપર પણ સામેલ થવાનું પણ મનાય છે.
૪૭ વર્ષના અસાન્જ સામે સ્વીડનમાં બળાત્કારના આરોપ લાગેલા હતા, જે સંદર્ભે ધરપકડ અને પ્રત્યાર્પણથી બચવા તેમણે ૧૬ ઓગસ્ટ ૨૦૧૨માં ઈક્વોડોરના દૂતાવાસમાં આશ્રય લીધો હતો. અસાન્જે બળાત્કારના આરોપોનો ઈનકાર કર્યો હતો. છેવટે સ્વીડને ૨૦૧૭માં આરોપ પડતા મૂક્યા હતા. જોકે, ઈક્વેડોરના પ્રમુખ લેનિન મોરેનોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંધિઓનું સતત ઉલ્લંઘન કરવાના કારણે તેમનો રાજકીય આશ્રય પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. ઈક્વેડોર સરકારે જણાવ્યું છે કે અસાન્જ લગભગ સાત વર્ષ સુધી તેમની લંડન એમ્બેસીમાં રહ્યો તે ગાળામાં તેની પાછળ આશરે પાંચ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો હતો. ઈક્વેડોરના ફોરેન મિનિસ્ટર જોસ વેલેન્સીઆએ આ ખર્ચના વિસ્તૃત આંકડા જાહેર કર્યા છે. આ રકમમાંથી ૪.૫ મિલિયન પાઉન્ડ તો સુરક્ષા પાછળ ખર્ચાયા છે.
વડા પ્રધાન થેરેસા મેએ સાત વર્ષ ઈક્વેડોર દૂતાવાસમાં રહેલા અસાન્જની મધરપકડની જાહેરાત પાર્લામેન્ટમાં કરી હતી જેને સાંસદોએ વધાવી લીધી હતી. લાંબા સફેદ વાળ અને સફેદ દાઢી સાથેના અસાન્જને ઓછામાં ઓછાં સાત પોલીસ જવાન ઊંચકીને એમ્બેસીની બહાર વાનમાં લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઈક્વેડોર સરકારે રાજ્યાશ્રય પાછો ખેંચ્યાના નિર્ણય જાહેર કર્યા પછી પોલીસને એમ્બેસીમાં બોલાવાઈ હતી. હાથકડી પહેરેલા અસાન્જે થમ્બ્સ અપની નિશાની પણ કરી હતી. આ પછી તેને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં લઈ જવાયો હતો.
જુલિયન અસાન્જ, વિકિલીક્સ અને યુએસ
વિશ્વમાં સંવેદનશીલ દસ્તાવેજો જાહેર થવા જોઈએ એવી ઝુંબેશના ભાગરુપે નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન વિકિલીક્સની સ્થાપના કરનાર જુલિયન અસાન્જે ૨૦૧૦માં અમેરિકન લશ્કરને લગતા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હતા. મૂળ ઓસ્ટ્રેલિયન પ્રોગ્રામર અસાન્જેએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનથી માંડી સાઉદી રોયલ ફેમિલીના સભ્યો સહિત વિશ્વના નેતાઓ વિશે અમેરિકી ગુપ્ત દસ્તાવેજો પણ જાહેર કર્યા હતા. ૨૦૦૭માં બગદાદમાં રોઈટર ન્યૂઝના બે કર્મચારી સહિત ૧૨ વ્યક્તિના મોતનું કારણ બનેલા અપાચે હેલિકોપ્ટર્સના હુમલાઓ વિશે અમેરિકી લશ્કરના ક્લાસિફાઈડ વીડિયોની પ્રસિદ્ધિ સાથે અસાન્જ વિશ્વભરમાં છવાઈ ગયા હતા.
અસાન્જ ઉપર અમેરિકાના જાહેર કરવાનો આરોપ છે. હવે અમેરિકા બ્રિટન સમક્ષ અસાન્જના પ્રત્યાર્પણની માગણી કરશે. અમેરિકામાં અસાન્જ ઉપર કમ્પ્યુટર હેકિંગ તેમજ મહત્ત્વના ગુપ્ત લશ્કરી અને સંવેદનશીલ દસ્તાવેજો જાહેર કરવાના ય આરોપ છે. હેકિંગના કાયદા પ્રમાણે અમેરિકામાં તેને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે. અમેરિકાએ આક્ષેપ લગાવ્યો છે કે અસાન્જે ૨૦૧૦માં ચાર્લ્સ મેનિંગ સાથે મળી કાવતરું ઘડ્યું હતું. મેનિંગે ક્લાસિફાઈડ ડેટા લીક કરવા બાબતે સાત વર્ષની સજા મિલિટરી જેલમાં ભોગવી છે.
મૃત્યુદંડ ન આપવાની શરતે અસાન્જના પ્રત્યાર્પણની માગ
આંતરરાષ્ટ્રીય દબાણ ઉપરાંત ઈક્વેડોરના રાજ્યાશ્રયના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાથી અસાન્જેનો રાજ્યાશ્રય અને નાગરિકતા બંને રદ કર્યો હોવાનું જણાવ્યા પછી ઈક્વેડોરે બ્રિટનને એવી અપીલ પણ કરી હતી કે એવા દેશને અસાન્જેનું પ્રત્યાર્પણ ન કરતા જે તેને મૃત્યુદંડની સજા આપે. અસાન્જ ઉપર ઈક્વેડોરના પ્રમુખ મોરેનોની ગુપ્ત વિગતો જાહેર કરવાનો આરોપ લાગ્યા પછી ઈક્વેડોર સાથે તેના સંબંધો તંગ બન્યા હતા. ઈક્વેડોરે અસાન્જ ઉપર રાજ્યાશ્રયના નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આખરે આંતરરાષ્ટ્રીય દબાણ અને નિયમોના ઉલ્લંઘન બદલ અસાન્જનો રાજકીય આશ્રય રદ થવા સાથે જ બ્રિટને તેની ધરપકડ કરી હતી. જોકે, ઈક્વેડોરના પ્રમુખ લેનિન મોરેનોએ બ્રિટનને એવી અપીલ કરી હતી કે અસાન્જનું પ્રત્યાર્પણ એવા કોઈ દેશને ન કરે કે જ્યાં તેના ઉપર ટોર્ચરિંગ અને મૃત્યુદંડનું જોખમ હોય. મોરેનોએ બ્રિટિશ સરકાર પાસેથી લેખિતમાં ખાતરી માગી હતી. (૬૯૧)