લંડનઃ ભારતની બેન્કો પાસેથી રૂપિયા ૯,૦૦૦ કરોડનું ધીરાણ લઈને ફરાર થયેલા લિકર બેરન વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટના આદેશ મુજબ હવે તેઓ પ્રતિ સપ્તાહ માત્ર ૪.૫ લાખ રૂપિયા જ ખર્ચ કરી શકશે. વિજય માલ્યા સામે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં પ્રત્યાર્પણ કેસમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટ વિજય માલ્યાની સંપત્તિ પર ટાંચ મૂકવાના આદેશ કરી ચૂકી છે. કોર્ટ દસ્તાવેજો મુજબ વિજય માલ્યાએ કોર્ટ સમક્ષ તેઓ રૂપિયા ૧૮ લાખ ખર્ચી શકે તે મુજબ મંજૂરી માગી હતી, પરંતુ તેમની સામે બેન્ક કૌભાંડના કેસને કારણે તેટલી રકમ મંજૂર નથી કરી. કોર્ટમાં સાક્ષીઓએ આપેલી જુબાની મુજબ વિજય માલ્યા ઈંગ્લેન્ડમાં ત્રણ મકાન બે યોટ અને સંખ્યાબંધ કાર ધરાવે છે.
માલ્યા પોતાની યોટ ફોર્સ ઇન્ડિયાની હરાજી માટે ૧૦૫ કરોડ રૂપિયાની બોલી જાહેર કરી ચૂક્યા છે. બીજી યોટને પણ માલ્યા ૨.૫ કરોડમાં વેચવા માગે છે. ભારતીય બેન્કોએ માલ્યા વિરુદ્ધ આક્ષેપ કર્યો છે કે ધીરાણ મેળવી માલ્યાએ નાણા ભારત બહાર તબદીલ કરી દીધા હતા.
ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં માલ્યાના બચાવ પક્ષે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોને સાક્ષી તરીકે બોલાવ્યા હતા. આ નિષ્ણાતોએ બેન્ક લોન લેતી વખતે રજૂ કરેલા દસ્તાવેજોનું પૃથક્કરણ કરીને જણાવ્યું હતું કે માલ્યાનો ઇરાદો કૌભાંડ કરવાનો ન હતો. અગાઉ માલ્યાએ પોતાની સામેનો કેસ રાજકીય પૂર્વગ્રહપ્રેરિત હોવાનું જણાવ્યું હતું.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પૌલ રેક્સ નામના સાક્ષીએ ૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવનાર માલ્યાને ભારતને સોંપવો જોઈએ કે નહિ તે મુદ્દે નિવેદન આપ્યું હતું. માલ્યાના વકીલ ક્લેર મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ માલ્યા સામે પ્રથમ દૃષ્ટિનો કેસ સાબિત કરી શકી નથી. બેન્ક ક્ષેત્રના નિષ્ણાત રેક્સે માલ્યાનો બદઇરાદો ન હોવાનું સાબિત કર્યું છે. સીપીએસનું વલણ એવું હતું કે માલ્યાનો લોન પરત નહિ કરવાનો ઇરાદો ન હતો પરંતુ, તેની કિંગફિશર આર્થિક રીતે પડી ભાંગ્યાને પગલે તે લોન ભરી શક્યા નહિ તેમ બચાવ પક્ષના વકીલ સાબિત કરવા પ્રયાસ કરે છે. બેંકિંગ નિષ્ણાતોએ ૨૦૧૨ ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકની રિમાર્કનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કિંગફિશરની લોનને સબ સ્ટાન્ડર્ડમાંથી સ્ટાન્ડર્ડ કરવામાં આવી હતી.