લંડનઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતના લેન્ડર્સના 1 બિલિયન પાઉન્ડ કરતા વધુના દેવા મુદ્દે લંડનની હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા બેન્કરપ્સી ઓર્ડરને પડકારતી અપીલના મામલામાં ભાગેડૂ બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાને પછડાટ મળી છે.
બ્રિટનમાં વસવાટ કરી રહેલા વિજય માલ્યા 2012માં કિંગફિશર એરલાઇન્સ નાદાર થયા પછી છેલ્લા ઘણા વર્ષથી લેન્ડર્સ અને ભારત સરકાર સામે કાનૂની લડાઇ લડી રહ્યાં છે. એરલાઇન્સને લોન આપનારી બેન્કોની તરફેણમાં ભારતમાં વર્ષ 2017માં ચુકાદો આવ્યો હતો. આ ચુકાદાને બ્રિટનમાં રજિસ્ટર્ડ કરાયો હતો જેના પગલે 2021માં માલ્યા સામે બેન્કરપ્સી ઓર્ડર જારી કરાયો હતો.
ફેબ્રુઆરી 2025માં માલ્યાએ બેન્કરપ્સી ઓર્ડર સામે અપીલ દાખલ કરી હતી. માલ્યાના વકીલોએ દલીલ કરી હતી કે બેન્કોને તેમના નાણા પરત મળી ચૂક્યા છે અને માલ્યાએ તમામ દેવાની ચૂકવણી કરી દીધી છે.
જજ એન્થની માને મંગળવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, મહત્વની વાત એ છે કે બેન્કરપ્સી ઓર્ડર હજુ યથાવત રહે છે. માલ્યાના વકીલોએ આ ચુકાદા પર તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નહોતી. માલ્યાની સામે કિંગફિશર એરલાઇન્સ બંધ થવાના કિસ્સામાં ફ્રોડના પણ આરોપ છે અને તે માટે ભારત સરકાર તેમના પ્રત્યર્પણની માગ કરી રહી છે. 2020માં પ્રત્યર્પણના આદેશ સામેની માલ્યાની અપીલ પણ નકારી કઢાઇ હતી.