લંડનઃ વિઝા પ્રોસેસિંગમાં વિલંબના કારણે દર વર્ષે હજારો માઇગ્રન્ટ વર્કર્સ મુશ્કેલીમાં મૂકાઇ રહ્યાં છે. હોમ ઓફિસના આંકડા અનુસાર કામ માટે યુકેમાં આવેલા વિદેશીઓને કેટલી હદે પરેશાનીનો સામનો કરવો પડે છે તે ઉજાગર થાય છે. આ પરેશાનીઓ દૂર કરવા હોમ ઓફિસને વિઝા પ્રોસેસ સરળ બનાવવાની પણ અપીલ કરાઇ છે.
સ્કીલ્ડ વર્કર ટાયર ટુ વિઝાની પ્રક્રિયા માટે યુકેમાં 3 સપ્તાહ અને વિદેશમાં આઠ સપ્તાહનો સમય નિર્ધારિત કરેલો છે પરંતુ 2017થી 2023 વચ્ચે 4 લાખ અરજકર્તાઓને તેનાથી પણ વધુ સમય વિઝા માટે રાહ જોવી પડી હતી. 1,29,945 અરજીઓના નિકાલમાં કોઇ ચોક્કસ કારણ વિના જ વિલંબ થયો હતો જ્યારે 2,99,836 અરજીઓની પ્રક્રિયા જટિલ હોવાના કારણે તેમને ટાઇમ ફ્રેમમાંથી બાકાત કરી દેવાઇ હતી.
હેલ્થ એન્ડ સોશિયલ કેર વિઝાની પ્રક્રિયામાં પણ ઘણો વિલંબ થઇ રહ્યો છે. વર્ષ 2020થી 70,275 અરજકર્તાઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. એનએચએસમાં કર્મચારીઓની અછત ગંભીર બની છે ત્યારે જ વિઝા પ્રક્રિયામાં આ પ્રકારનો વિલંબ થઇ રહ્યો છે.
વિઝા અરજીના નિકાલના વિલંબને કારણે ઘણા અરજકર્તાઓને યુકેમાં ફરજિયાત રહેવું પડે છે જેના કારણે તેઓ તેમના વતનના દેશમાં પરિવારની મુલાકાતે પણ જઇ શક્તાં નથી. પોતાના ડિપેન્ડન્ટની નોકરી માટેના વિઝામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાના કારણે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આંકડા દર્શાવે છે કે અનિશ્ચિત મુદત માટે યુકેમાં રહેવાની પરવાનગી આપતા આઇએલઆર સ્ટેટસ માટે પણ અરજકર્તાઓને લાંબો સમય રાહ જોવી પડે છે. લગભગ 70,000 અરજીના નિકાલમાં હોમ ઓફિસના નિયમો કરતાં વધુ વિલંબ જોવા મળ્યો હતો.