લંડનઃ એકતરફ સરકાર માઇગ્રેશન ઘટાડવા ઉધામા મચાવી રહી છે ત્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીએ દેશમાં પ્રવર્તતી હાઉસિંગ કટોકટી નિવારવા માઇગ્રન્ટ કામદારો માટે સ્પેશિયલ વિઝા કેટેગરી શરૂ કરવાની માગ કરી છે. લેબર સરકારે તેના પાંચ વર્ષના શાસનમાં યુકેમાં 1.5 મિલિયન નવા મકાનનું નિર્માણ કરવાનું વચન આપ્યું છે. પરંતુ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં કામદારોની અછત વડાપ્રધાન સ્ટાર્મરની યોજનાઓ પર પાણી ફેરવી શકે છે.
નેશનલ ફેડરેશન ઓફ બિલ્ડર્સે જણાવ્યું છે કે લેબર સરકારના લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય તેમ નથી કારણે કે યુકેમાં બે લાખ કરતાં વધુ કન્સ્ટ્રક્શન વર્કર્સની અછત પ્રવર્તી રહી છે. ટ્રેડ એસોસિએશને માગ કરી છે કે વિદેશી કામદારો માટે 3થી પાંચ વર્ષના વિઝાનો પ્રારંભ કરાય. વન ટુ વન સ્કીમ લાગુ કરાય જેમાં દરેક વિદેશી કામદાર સામે એક બ્રિટિશ કામદારને નિયુક્ત કરવામાં આવે.
સંગઠનના પોલિસી હેડ રિકો વોજ્તુલેવિક્ઝે જણાવ્યું છે કે યુકે દર વર્ષે 20,000 કરતાં ઓછા કન્સ્ટ્રક્શન એપ્રેન્ટિસને તાલીમ આપીને તૈયાર કરે છે. અમારે માગને પહોંચી વળવા માટે વર્ષ 2027 સુધીમાં નવા 2,25,000 કન્સ્ટ્રક્શન વર્કર્સની જરૂર પડશે.