લંડનઃ યુકેમાં કામ કરવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓને વિઝા માફિયાઓના ગ્લોબલ નેટવર્ક દ્વારા લાખો પાઉન્ડનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. બીબીસી દ્વારા કરાયેલી તપાસમાં જણાવવામાં આવ્યું છે કે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કામ કરતા વચેટિયાઓ કેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને શિકાર બનાવી રહ્યાં છે. આમ તો કેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે જારી કરાતા સ્પોન્સરશિપ સર્ટિફિકેટ માટે કોઇ નાણા ચૂકવવા પડતાં નથી પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી વચેટિયાઓ દ્વારા 17000 પાઉન્ડ વસૂલવામાં આવી રહ્યાં છે. જ્યારે તેઓ સ્કીલ્ડ વર્કર વિઝા માટે અરજી કરે છે ત્યારે હોમ ઓફિસ આ પ્રકારે મેળવેલા સર્ટિફિકેટ અમાન્ય ગણાવી નકારી કાઢવામાં આવે છે.
બીબીસીની તપાસમાં સામે આવ્યું હતું કે, તૈમૂર રઝા નામની વ્યક્તિએ 141 અર્થવિહિન વિઝા દસ્તાવેજો વેચીને 1.2 મિલિયન પાઉન્ડ વસૂલી લીધા હતા. જોકે તેણે કંઇ ખોટું કર્યાનો ઇનકાર કર્યો હતો અને પોતે કેટલાક નાણા વિદ્યાર્થીઓને પરત કરી દીધા હોવાનો દાવો કરે છે. રઝા વેસ્ટ મિડલેન્ડ્સમાં કચેરીઓ ખોલીને વિદ્યાર્થીઓને સ્પોન્સરશિપ અપાવવાના વચનો આપે છે. આવા તો ઘણા એજન્ટ સક્રિય છે. 3 મહિલા સ્ટુડન્ટે જણાવ્યું હતું કે, એજન્ટો અમને બ્રિટનમાં ખુશહાલ જિંદગીના સ્વપ્ન બતાવી રહ્યાં હતાં પરંતુ અમે અહીં ફસાઇ ગયાં છીએ.
બીબીસીના જણાવ્યા અનુસાર પાકિસ્તાની તૈમૂર રઝા આ નેટવર્કનો મુખ્ય એજન્ટ હોવાનું મનાય છે. તેના દ્વારા 86 લોકોને ફાલતુ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેને હોમ ઓફિસે નકારી કાઢ્યાં છે. 55 લોકોને વિઝા મળ્યા હતા પરંતુ કેર હોમ દ્વારા તેમને કામ જ આપવામાં આવ્યું નહોતું. હાલ રઝા પાકિસ્તાનમાં હોવાનું મનાય છે.