લંડનઃ બ્રિટનના વિદેશી સહાયભંડોળનો દુરુપયોગ ખાનગી કોન્ટ્રાક્ટર્સ અને સલાહકારોને ચુકવણીમાં થતો હોવાના અહેવાલો મધ્યે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા તેની સમીક્ષા કરવાની જાહેરાત થઈ છે. ખાનગી કોન્ટ્રાક્ટર્સ અને સલાહકારો તેમજ બહારના બિઝનેસીસને કરાયેલી ચુકવણી વધીને ૧.૨૫ બિલિયન યુએસ ડોલર થઈ છે. સેક્રેટરી પ્રીતિ પટેલ સરકારની ખાનગી ઈક્વિટી શાખા સીડીસી ગ્રૂપનું બજેટ ૧.૫ બિલિયન પાઉન્ડથી વધારી ૬ બિલિયન પાઉન્ડ કરવા વિચારતાં હતાં ત્યારે જ આ ઘટસ્ફોટ આવ્યો છે.
વૈશ્વિક ગરીબી સામે લડવા માટેની બ્રિટિશ સહાય રેસ્ટોરાં ચેઈન્સ અને ઓનલાઈન ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સ પાછળ ખર્ચાય છે. સીડીસી ગ્રૂપનો દાવો છે કે તે સ્થાનિક બિઝનેસીસમાં નાણા રોકી નોકરીઓ વધારવાને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનના ડરાઝ, ભારતના ઓનલાઈન ફેશન રીટેઈલર જાબોંગ, વિયેટનામ, ભારત અને પેરુમાં રેસ્ટોરાં ચેઈન્સ તથા ચાઈનીઝ બજેટ હોટેલ ફ્રેન્ચાઈઝને સીડીસી ગ્રૂપ દ્વારા નાણા અપાયા છે.
યુકે દ્વારા ગયા વર્ષે વિદેશી સહાય માટે ૧૫.૪ બિલિયન યુએસ ડોલર ખર્ચ કરાયો હતો. યુકે ફોરેન એઈડના નાણા શંકાસ્પદ પ્રોજેક્ટ્સમાં જાય છે અને ખાનગી બિઝનેસીસને ટેકો આપવામાં વપરાય છે. જે લોકોને સૌથી વધુ જરૂર હોય તેને નાણા પહોંચતા નથી અને ખાનગી બિઝનેસ તથા મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં પહોંચે છે. વિદેશી સહાય બજેટમાંથી બિલિયન્સ પાઉન્ડ કમાતા પેઢીઓ અને સલાહકારોએ તેમના વેતન જાહેર કરવાની પણ ફરજ પડશે.
ધ ટાઈમ્સ અખબાર દ્વારા કરાયેલી તપાસ અનુસાર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ખાતા દ્વારા ૨૦૧૨ પછી ખાનગી કોન્ટ્રાક્ટર્સ પાછળનું વાર્ષિક ખર્ચ બમણું થઈ ૧.૨૬ બિલિયન યુએસ ડોલર થયું છે. આના પગલે પ્રીતિ પટેલે તમામ વિદેશી સહાય કોન્ટ્રાક્ટ્સની સમીક્ષાનો નિર્ણય લીધો છે. બ્લોગ પોસ્ટ માટે ૧૫,૦૦૦ ડોલરનો ક્વોટ અપાયો હતો, જ્યારે બે પાનાના પોલિસી રિપોર્ટ માટે ખાતાએ ૨૫,૦૦૦ ડોલર ચુકવ્યા હતા.