લંડનઃ યુકેમાં યુનિવર્સિટી શિક્ષણ મોંઘુ બનવા જઇ રહ્યું છે. લેબર સરકાર યુનિવર્સિટી ટ્યુશન ફી ફુગાવાના આધારે 9535 પાઉન્ડ પ્રતિ વર્ષ કરવા જઇ રહી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન બ્રિજિટ ફિલિપસને હાઉસ ઓફ કોમન્સમાં યુનિવર્સિટી ટ્યુશન ફીમાં થઇ રહેલા વધારાને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અગાઉની ટોરી સરકારની લાંબા ગાળાની શરમજનક બેજવાબદારીના કારણે ઉદ્દભવેલી સમસ્યાઓ લેબર સરકારને વારસામાં મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં તાજેતરના વર્ષોમાં ફુગાવામાં વધારા છતાં ઘરેલુ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી વર્ષ 2017થી 9250 પાઉન્ડ પ્રતિ વર્ષ પર સ્થગિત રાખવામાં આવી છે. ફિલિપસને સાંસદોને જણાવ્યું હતું કે, એપ્રિલ 2025થી ટ્યુશન ફીની મહત્તમ મર્યાદા 9535 પાઉન્ડ કરાશે. પ્રતિ શૈક્ષણિક વર્ષ ફીમાં 285 પાઉન્ડનો વધારો થશે.
તેમણે દાવો કર્યો હતો કે યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ બદલાવના કારણે તેમની માસિક ચૂકવણીમાં વધારાનો સામનો કરવો નહીં પડે.
હાયર એજ્યુકેશન સેક્ટરમાં યુનિવર્સિટીઓની આર્થિક સ્થિતિ અને કેટલીક સંસ્થાઓને સરકારની સહાય વિના નાદારી નોંધાવવી પડે તેવી ચેતવણીઓ મધ્યે ટ્યુશન ફીમાં વધારાનો નિર્ણય લેવાયો છે.
ફિલિપસને એમ પણ જણાવ્યું હતું કે, મેક્સિમમ મેન્ટેનન્સ લોનમાં ફુગાવાના આધારે વધારો કરીને વિદ્યાર્થીઓને સહાય કરશે. 2025-26માં વિદ્યાર્થીઓને વધારાની 414 પાઉન્ડની સહાય મળી રહેશે.