લંડનઃ સરકારે યુકેમાં હંમેશ માટે રહેવા ઇચ્છતા બ્રિટિશ નાગરિકોની વિધવા અને વિધૂર પાસેથી અરજી પેટે વસૂલાતી 2885 પાઉન્ડની ફી નાબૂદ કરી છે. માઇગ્રન્ટ ચેરિટી સંસ્થાઓ આ ફીને અત્યંત ક્રુર ગણાવતી હતી. તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
અખબારી અહેવાલ અનુસાર વિધવા અથવા વિધૂરની વિઝા અરજીની પ્રક્રિયા માટે હોમ ઓફિસને અંદાજિત 491 પાઉન્ડનો ખર્ચ થતો હોય છે. પોતાના જીવનસાથીને ગુમાવ્યાના શોકમાં ગરકાવ વ્યક્તિઓ પાસેથી આ ઉપરાંતના વધારાના 2404 પાઉન્ડની વસૂલાત કરાતી હતી. જીવનસાથી ગુમાવનાર વ્યક્તિ આર્થિક રીતે પણ મુશ્કેલીમાં હોય છે ત્યારે આ પ્રકારની ફીની વસૂલાત સામે નારાજગી પ્રવર્તી રહી હતી. આટલી મોટી ફી ન ચૂકવી શકવાના કારણે ઘણાને દેશનિકાલનો સામનો પણ કરવો પડે છે.
લેબર સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર આર્થિક સમસ્યાનો સામનો કરતા અરજકર્તાઓની 2885 પાઉન્ડની ફી માફ કરી દેવાશે.