લંડનઃ સરકારની પોતાની ગણતરી અનુસાર પોતે લાભ માટે યોગ્ય હોવા છતાં લાખો પેન્શનરોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પ્રાપ્ત નહીં થાય. ચાન્સેલર રાચેલ રીવ્ઝ દ્વારા રજૂ કરાયેલા વિવાદાસ્પદ પ્રસ્તાવને સંસદની મંજૂરી મળી જશે તો ફક્ત 2.2 મિલિયન ઓછી આવક ધરાવતા પેન્શનર પેન્શન ક્રેડિટ માટે ક્વોલિફાય થશે.
હાલમાં પેન્શન ક્રેડિટ માટે લાયકાત ધરાવતા કુલ પૈકીના 60 ટકા એટલે કે 1.32 મિલિયને પેન્શન ક્રેડિટ માટે દાવો કર્યો છે. સરકાર સૌથી વૃદ્ધ પેન્શનરોને વયના આધારે 200થી 300 પાઉન્ડ વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ આપી શકે છે. પરંતુ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનના અંદાજ અનુસાર આ વર્ષે પેન્શન ક્રેડિટમાં ફક્ત પાંચ ટકાનો વધારો થશે. તેનો અર્થ એ થયો કે આવક ઓછી હોવાથી ક્વોલિફાય થવા છતાં 35 ટકા અથવા તો 7,70,000 પેન્શનર વિન્ટર ફ્યુઅલ પેમેન્ટના લાભ મેળવી શકશે નહીં.
પેન્શન ક્રેડિટ પ્રાપ્ત કરવા માટેની મહત્તમ આવક મર્યાદા ગરીબી રેખા કરતાં નીચી છે. તેનો અર્થ એ થયો કે ગરીબી રેખા નીચે જીવતા પેન્શનરોને પણ આ લાભ મળવાનો નથી. સરકાર દ્વારા વિન્ટર ફ્યુઅલ પેમેન્ટની ચૂકવણીમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે લેબર પાર્ટીમાં પણ ભાગલા પડી ગયાં છે. ઘણા લેબર સાંસદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બીજીતરફ લેબર પાર્ટીના પોતાના રિસર્ચ પ્રમાણે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટમાં કાપ મૂકાવાના કારણે હજારો પેન્શનરના મોત થઇ શકે છે. હાલના વડાપ્રધાન કેર સ્ટાર્મર 2017માં શેડો કેબિનેટમાં હતાં ત્યારે તેમણે પેમેન્ટમાં કાપ મૂકવાની ટોરી સરકારની યોજના સામે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો પેમેન્ટમાં કાપ મૂકાશે તો શિયાળામાં 3850 પેન્શનરના મોત થઇ શકે છે.