લંડનઃ વાહન પર નિયંત્રણ ગુમાવી દેવાના કારણે કાર સાથે સ્કૂલમાં ઘૂસી જનાર મહિલા પર કોઇ આરોપ નહીં મૂકવાનો યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે નિર્ણય લીધો છે. આ અકસ્માતમાં ભારતીય મૂળની નૂરિયા સજ્જાદ સહિત બે વિદ્યાર્થીનીના મોત થયાં હતાં. જુલાઇ 2023માં સાઉથ વેસ્ટ લંડનના વિમ્બલડનની સ્ટડી પ્રિપેરેટરી સ્કૂલની વાડ તોડીને લેન્ડ રોવર કાર ધસી આવી હતી.
લંડન હોમિસાઇડ યુનિટના ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર જસવંત નરવાલે જણાવ્યું હતું કે, આ એક અકલ્પનિય કરૂણાંતિકા હતી પરંતુ ગહન સમીક્ષા બાદ અમને લાગ્યું છે કે આ ઘટનાની ક્રિમિનલ તપાસ જાહેર હિતમાં નથી. વાહન ચલાવી રહેલી મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તે વાહન પરનું નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને તેની કાર શાળામાં ઘૂસી ગઇ હતી.
આ મહિલા ચાલકને પહેલાં આ પ્રકારની કોઇ તકલીફ થઇ નહોતી અને તેની કોઇ મેડિકલ હિસ્ટ્રી પણ રહી નથી. આ કરૂણાંતિકા અટકાવવા માટે વાહનચાલક મહિલા કશું કરી શકે તેમ નહોતી.