લંડનઃ ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દીવાળી સુધીમાં થઈ જશે તેવી આશા મધ્યે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ભારત સાથે સંભવિત વેપારસંધિનો વિરોધ કરવા સાથે નવો વિવાદ જગાવ્યો છે. બ્રેવરમેને કહ્યું છે કે તેનાથી બ્રિટનમાં ઈમિગ્રેશન વધી જશે. વડા પ્રધાન લિઝ ટ્રસે કહ્યું છે કે તેઓ આ મહિનાના અંત એટલે કે દિવાળી સુધી ભારત સાથે વેપારસંધિ પર સહી કરવા માગે છે. આ સંધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન આવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. ભારત સરકાર ભારતીય નાગરિકો માટે વર્ક અને સ્ટુડન્ટ વિઝા વધારવાની માગણી પર ભાર મૂકી રહી છે. પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ અગાઉ જણાવ્યું હતું કે આ એગ્રીમેન્ટ ઈમિગ્રેશનમાં વધારા તરફ દોરી જશે.
સ્પેક્ટેટર સાથે ઈન્ટરવ્યૂમાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે યુકેમાં વિઝાની મુદત વીત્યે વધુ રહેનારામાં ભારતીય માઈગ્રન્ટ્સ સંખ્યા સૌથી વધુ છે. હોમ સેક્રેટરીએ તેમના પુરોગામી પ્રીતિ પટેલે ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને ઓવરસ્ટેયર્સને ભારતમાં પાછા મોકલવાની સંખ્યા વધારતો કરાર કર્યો હતો તેની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ કરારે સારી રીતે કામ કર્યું નથી. તેમણે કહ્યું હતું કે,‘ભારત સાથે ઓપન બોર્ડર્સ માઈગ્રેશન પોલિસી બાબતે મારો વિરોધ છે કારણકે લોકોએ આના માટે બ્રેક્ઝિટ મતદાન કર્યું હોય તેમ તેઓ માનતા નથી.’
બ્રેવરમેનને પ્રશ્ન કરાયો હતો કે વિદ્યાર્થીઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સ માટે વધુ ફ્લેક્સિબિલિટી હોય તેવી વેપારસંધિને તેઓ સપોર્ટ કરશે ખરાં? આ મુદ્દે હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ‘મારાં કેટલાક વાંધા છે. આ દેશમાં માઈગ્રેશન તરફ ધ્યાન આપો- વિઝાની મુદતથી વધુ રહી જનારા લોકોમાં ભારતીય માઈગ્રન્ટ્સ જૂથ સૌથી મોટું છે. આપણે ગયા વર્ષે ભારત સરકાર સાથે આ મુદ્દે સારા સહકાર માટે એગ્રીમેન્ટ કર્યો હતો પરંતુ, તેનાથી કોઈ રીતે સારું કામ થયું હોય તે જરૂરી નથી.’અગાઉ, સુએલા બ્રેવરમેને તેઓ નેટ માઈગ્રેશનમાં કાપ મૂકી હજારોની સંખ્યા જેટલું નીચે લાવવા માગતાં હોવાનું જણાવી સરકારમાં ખળભળાટ મચાવી દીધો હતો. અગાઉની કન્ઝર્વેટિવ્ઝ સરકારો આ વચનનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
હોમ ઓફિસના આંકડા જણાવે છે કે વર્ષ 2020માં 20,706 ભારતીયો તેમના વિઝાની મુદતથી વધુ સમય યુકેમાં રહી ગયા હતા જે અન્ય દેશોના નાગરિકાની સરખામણીએ ઘણી વધુ સંખ્યા છે. જોકે, અન્ય દેશોના ઓવરસ્ટ્યર્સનું પ્રમાણ પણ વધુ જ છે. માર્ચ 2020 સુધીના 12 મહિનામાં વિઝા પૂર્ણ થતા હોય તેવા ભારતીયોની સંખ્યા 473,600 હતી પરંતુ, 452,894 ભારતીયો જ સ્વદેશ પરત થયા હતા.
માઈગ્રન્ટ્સ મુદ્દે લિઝ અને સુએલા વચ્ચે ગજગ્રાહ
વડા પ્રધાન લિઝ ટ્રસ અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન વચ્ચે બિનકુશળ માઈગ્રન્ટ્સ મુદ્દે નવો ખટરાગ સર્જાયો છે. વડા પ્રધાન બિનકુશળ સીઝનલ વર્કર્સ પરની મર્યાદા વાર્ષિક 20000 વર્ક્સ સુધી વધારવા માગે છે. આના કારણે ઈમિગ્રેશન પોલિસી મુદ્દે હોમ સેક્રેટરી સાથે વિવાદ સર્જાયો છે. બ્રેવરમેન યુકે આવતા બિનકુશળ વિદેશી માઈગ્રન્ટ્સમાં ધરખમ ઘટાડો કરવા માગે છે. તેઓ કહે છે કે બ્રિટિશ ખેડૂતોએ વિદેશી કામદારો પરની નિર્ભરતા ઓછી કરી ઘરઆંગણાના વર્કર્સને કામ આપવું જોઈએ. હાલ ખેડૂતો સીઝનલ વર્કર્સ વિઝા સ્કીમ હેઠળ ફળ, શાકભાજી અને ફૂલોને ચૂંટવા 40,000 વિદેશી વર્કર્સની ભરતી કરી શકે છે જે, 2021ની 30,000ની મર્યાદાથી વધુ છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં 26,481 વિઝા જારી કરી દેવાયા છે જે વાર્ષિક મર્યાદાના બે તૃતીઆંશ જેટલા છે. લિઝ ટ્રસે કેબિનેટ મિનિસ્ટર્સને આ વાર્ષિક મર્યાદા 60,000 કરવા માગતાં હોવાનું જણાવ્યું છે. તેઓ શ્રમિકોની અછત દૂર કરવા અન્ય ક્ષેત્રોમાં પણ સીઝનલ વર્કર્સ વિઝા સ્કીમ લાગુ કરવા ઉપરાંત, યુકેમાં વ્યક્તિને રહેવાની 6 મહિનાની મર્યાદા છે તેને પણ હળવી કરવા માગે છે. નેશનલ ફાર્મર્સ યુનિયનની માગણી મર્યાદા 70,000ની કરવાની છે જ્યારે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અંદાજ મુજબ દરેક લણણીની સીઝનમાં 75,000 સીઝનલ વર્કર્સની જરૂર પડે છે.
ચેનલ માઈગ્રન્ટસને યુકેમાં એસાઈલમ પર પ્રતિબંધ લવાશે
સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુકેમાં ગેરકાયદે પ્રવેશ કરનારી કોઈ પણ વ્યક્તિને શરણ કે એસાઈલમ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતા નવા કાયદાઓ લાવવાની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ચેનલ ઓળંગી યુકેમાં આવતા ગ્રકાયદે માઈગ્રન્ટ્સને એસાઈલમનો દાવો કરવા દેવા પર પ્રતિબંધ લાગી જશે. હોમ સેક્રેટરીએ હોદ્દો સંભાળ્યાં પછી સૌપ્રથમ વખત બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં સંબોધન કરતા આ પ્રસ્તાવો જાહેર કર્યા હતા. જૂન મહિનાથી અમલમાં આવેલા નેશનાલિટી એન્ડ બોર્ડર્સ એક્ટથી પણ આગળ વધીને નવા કાયદા યુકેમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોય તેવી કોઈ પણ વ્યક્તિ પર શરણ માગવા સામે પ્રતિબંધ લગાવશે. માઈગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની નવી મુખ્ય પોલિસી કાનૂની પડકારોના કારણે અટકી પડી છે ત્યારે ચેનલ ઓળંગી યુકેમાં ગેરકાયદે પ્રવેશતા લોકોની વધતી સંખ્યા પર અંકુશ લાદવાનો સરકારનો આ નવો પ્રયાસ છે. આ વર્ષે અત્યાર સુધી ફ્રાન્સ થઈને યુકેમાં આવનારા ગેરકાયદે માઈગ્રન્ટ્સની સંખ્યા 33,500 થી વધી ગઈ છે.
બ્રેવરમેને પાર્ટી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,‘ આપણે ચેનલ ઓળંગતી બોટ્સને અટકાવવી જ પડશે. આ ઘણું આગળ વધી ગયું છે. મારે તમારી સાથે સીધી વાત કરવાની છે કે આનો તત્કાળ ઉપાય નથી અને સમસ્યા ઘણા લાંબા સમયથી છે.’ તેમણે કહ્યું હતું કે કાયદો કામ જ કરતો નથી અને લોકોની હેરાફેરી તરતા માનવ તસ્કરો, છેલ્લી ઘડીએ અયોગ્ય દાવાઓ કરનારા લોકો થકી તેનો દુરુપયોગ થાય છે. તેમણે વકીલોને ‘સ્પેશિયાલિસ્ટ સ્મોલ બોટ-ચેઝિંગ લો ફર્મ્સ ગણાવી કહ્યું હતું કે આ બધું ચાલી શકે નહિ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘યુકે આવવાનો એક જ માર્ગ છે અને તે સલામત અને કાનૂની માર્ગ જ છે. જો તમે ઈરાદાપૂર્વક સલામત દેશમાં થઈને યુકેમાં ગ્રકાયદે પ્રવેશ કરશો તો તમને તત્કાળ તમારા સ્વદેશ પરત મોકલી દેવાશે અથવા રવાન્ડા મોકલાશે જ્યાંથી તેમારા એસાઈલમ ક્લેઈમની વિચારણા કરાશે.’
ECHRમાંથી બહાર નીકળી જવાની હાકલનો પણ વિવાદ
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી બહાર નીકળી જવાની હાકલ કરી સરકારમાં નવો વિવાદ છેડ્યો છે. બ્રિટિશ સરકારની નીતિ કન્વેન્શનમાં રહીને જ કામ કરવાની છે. હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે યુકેએ લેન્ડમાર્ક કન્વેન્શનમાંથી તત્કાળ બહાર નીકળી જવું જોઈએ. જોકે, તેમણે આ અંગત મત હોવાની અને સરકારની નીતિ નહિ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કોન્ફરન્સ ઈવેન્ટમાં સ્પેક્ટેટરને જણાવ્યું હતું કે, મારી લીડરશિપ કેમ્પેઈનમાં પણ હું આ બાબતે સ્પષ્ટ હતી. મારી અંગત પોઝિશન એ છે કે આપણે આખરે યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. આ સરકારની નીતિ નથી સરકારની નીતિ આપણે કન્વેન્શનમાં અને તેની મર્યાદામાં રહી જે કરી શકીએ તે કરવાની છે. પરંતુ, તેનાથી કામ ન થાય તો આપણે બધા વિકલ્પો વિચારવા પડશે’
વડા પ્રધાન લિઝ ટ્રસે પણ કન્વેઝર્વેટિવ કોન્ફરન્સમાં ક્રિસમસ અગાઉ નવા કાયદા લાવવાની વાત મૂકી હતી જેના પરિણામે, બ્રિટિશ કોર્ટ્સ માઈગ્રેશન મુદ્દે માનવાધિકારના મુદ્દાઓ પર યુરોપિયન કોર્ટ્સના ચુકાદાઓથી બાધ્ય નહિ રહે. યુરોપિયન કોર્ટે જૂન મહિનામાં ગેરકાયદે માઈગ્રન્ટ્સને રવાન્ડા લઈ જતી ફ્લાઈટ્સને અટકાવી દીધી હતી તેના પછી ભવિષ્યમાં સ્ટ્રાસબોર્ગની કોર્ટ ડિપોર્ટેશમન ફ્લાઈટ્સને અટકાવવા હસ્તક્ષેપ કરી શકે નહિ તે કામ નવા કાયદાનું રહેશે.