વૈદિક સનાતન ધર્મ એ સૌથી જૂનો પુરાતન ધર્મ ગણાય છે. સનાતન ધર્મને મહર્ષિ વ્યાસજીએ ચાર વેદ, ઉપનિષદ સહિત ૧૮ સ્કંધપુરાણની ભેટ અાપી છે. જેમાં ૧૮મા પૌરાણિક શાસ્ત્ર શ્રીમદ ભાગવતમાં પરમાત્માના દશ અવતાર સહિત ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભૂત લીલાઅોનું વર્ણન કર્યું છે. કેટલાક વિધર્મીઅો વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતન હિન્દુ ધર્મની અાલોચના કરી રહ્યા છે ત્યારે એવા ટીકાકારો કે નકારાત્મક વિચારકોને એ સનાતન ધર્મના મૂળમાં જઇ એનો ગહન અભ્યાસ કરવાની જરૂર છે. વિશાળ વટવૃક્ષ સમા અા પૌરાણંિક સનાતન ધર્મની શાખાઅો જેવા અા સંપ્રદાયોનું મૂળ તો એક જ છે. વિવિધતામાં એકતા એ તો સનાતન ધર્મની વિશેષતા છે. એનું ઉત્તમ ઉદાહરણ અાગામી મહિના (અોગષ્ટ)ના પ્રથમ સપ્તાહમાં લંડનની ધરતી પર જોવા મળશે.
લંડનની પશ્ચિમે બર્કશાયરના ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર વિવિધતામાં એકતાનું દર્શન કરી હજારો હિન્દુધર્મપ્રેમીઅો ભાવવિભોર બનશે. The Lea, બ્રહ્મજ્યોતિ-સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ મિશનની ૧૪ એકરની વિશાળ ધરતી પર બુધવાર, ૫ અોગષ્ટથી બુધવાર ૧૨ અોગષ્ટ દરમિયાન યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના જયઘોષ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ થશે. એની તડામાર તૈયારીઅોમાં સંેકડો હરિભક્તો જોડાયા છે. શ્રીમદ ભાગવતનું રસપાન વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્યશ્રી રમેશભાઇ અોઝા (પૂ.ભાઇશ્રી) કરાવશે.
પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અા ઉપરાંત ભારત, અમેરિકા, કેનેડા, અોસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સિંગાપુરથી ૫૦૦ સત્સંગી, મહાનુભાવો પધારી રહ્યા છે. અા ભાગવત કથામાં વિવિધ સંપ્રદાયોના ધર્મગુરૂઅો, સંત-મહાત્માઅો પધારશે. જેમાં અાણદાબાવા અાશ્રમના પૂ. દેવીપ્રસાદજી મહારાજ, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી, શિવાનંદ અાશ્રમના પૂ. અાધ્યાત્માનંદજી સ્વામી તેમજ શક્ય બનશે તો યોગગુરૂ શ્રી બાબા રામદેવ પણ ઉપસ્થિત રહેશે.
અષાઢ વદ છઠ્ઠ, બુધવાર ૫, અોગષ્ટના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે પૂ.ભાઇશ્રી, પૂ. સાહેબ અને સંતગણની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શ્રીમદ ભાગવત પોથીયાત્રા નીકળશે. એક સાથે ૫૦૦૦ હરિભક્તો અારામથી બેસી કથાશ્રવણ કરી શકે એ માટે અનુપમ મિશનના અાયોજકોએ વિવિધ સુવિધા સજ્જ વિશાળ શમિયાણામાં હરિભક્તો માટે મોરપીંછ-ભગવા રંગની અાકર્ષક જાજમ બિછાવી ભવ્ય વ્યાસપીઠ સજાવી છે. ભાગવત સપ્તાહ દરમિયાન અનુપમ મિશનથી નજીક હીલીંગ્ડન ટયૂબ સ્ટેશનથી (મેટ્રોપોલીટન અને પીકેડિલી લાઇન) અાવનાર હરિભક્તો માટે વિનામૂલ્યે બસ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં અાવી છે બપોરે ૧.૦૦થી સાંજના ૯-૦૦ દરમિયાન અા સ્પેશીયલ શટલ સર્વિસ ઉપલબ્ધ રહેશે. ભાગવત સપ્તાહ તેમજ મંદિર મહોત્સવ (તા.૫ અોગષ્ટથી ૧૭ અોગષ્ટ દરમિયાન) રોજ સાંજે ૬.૦૦થી ૮.૦૦ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.
સ્વામિનારાયણ સંસ્થા અનુપમ મિશન યુ.કે. દ્વારા અોગષ્ટ મહિનામાં મંદિર મહોત્સવ ૨૦૧૫નું ભવ્ય અાયોજન કરાયું છે. મનપ્રફુલ્લિત થઇ જાય એવી લીલીછમ વનરાજી વચ્ચે વૃંદાવનની અનુભૂતિ થાય એવી વિશાળ જગ્યામાં અનુપમ મિશન દ્વારા ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં અાવ્યું છે. અાવા પ્રાકૃતિક સ્થળના પર્યાવરણને લક્ષ્યમાં રાખી અનુપમ મિશને ૨૫૦૦૦ સ્કવેર ફૂટમાં અદ્યતન ટેકનોલોજી સજ્જ (ઇકોફ્રેન્ડલી કન્ડીશન સાથે) કોમ્યુિનટી સેન્ટર તૈયાર કર્યું છે. જેના મંદિર સંકુલમાં ગુરૂવર્ય પૂ. સાહેબની ઉપસ્થિતિમાં ૧૫ અને ૧૬ અોગષ્ટના રોજ શાસ્ત્રોક્ત વિધિથી ધામધામીમુક્ત (શ્રી મુક્ત અક્ષરપુરૂષોત્તમ)ની અારસની મૂર્તિઅોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં અાવશે.
ગયા સોમવારે (૬ જુલાઇ) સવારે અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબ ભારતથી અત્રે પધાર્યા ત્યારે તૈયાર થયેલા નવા કોમ્યુિનટી સેન્ટર તથા મંદિર સંકુલ અને વિશાળ ભાગવતકથા મંડપમાં પૂ. સાહેબે પગલાં કર્યાં હતાં. એ વખતે કીંગ્સ કીચનના ડિરેકટર શ્રી મનુભાઇ રામજીને એમના સાથી કાર્યકરો-ટેકનીશ્યનો સાથે કામ કરતા જોઇ અાનંદ વ્યક્ત કર્યો હતો. મનુભાઇએ ભગવાન શ્રીસ્વામિનારાયણના વાઘા-શણગાર મૂકવા માટે જર્મન બનાવટના વોર્ડરોબ્સ અને નિજ મંદિર ઝળહળી ઊઠે એવા વિરાટ સેન્ડલીયા શિલીંગ પર તૈયાર કરાઇ રહ્યા હોવા અંગે માહિતી અાપતાં પૂ. સાહેબે સેવાપરાયણ સત્સંગી મનુભાઇને અાશિષ વચન પાઠવ્યા હતાં.
વિવિધતામાં એકતાના દર્શન થાય એવા અા ધર્મ મહોત્સવ દરમિયાન મહાયજ્ઞ, શોભાયાત્રા, અમૃત મહોત્સવ, તેમજ ૧૫મી અોગષ્ટે ધ્વજ વંદન, વિવિધ સાંસ્કૃિતક કાર્યક્રમો, મહાત્મય ગાન સભા, એકાંકી નાટિકાઅો, શિબિરો, ધર્મસભાઅો, કિર્તન ઇત્યાદિનું અાયોજન કરવામાં અાવ્યું છે.
કથા દરમિયાન યજમાનો માટે વ્યાસપીઠ સન્મુખ બેસવા અાયોજકોએ ખાસ વ્યવસ્થા કરી છે. જેઅોએ યજમાન બનવું હોય તેઅોએ શ્રી સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311, વિનુભાઇ નકારજા 07956 594 963, અથવા હિંમતસ્વામી 01895 832 70નો સંપર્ક નીચેના ફોન નંબર પર કરવો.