લંડનઃ બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વસનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ત્રણ દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ ત્રણ ક્રમમાં સ્વીટ્ઝર્લેન્ડ, કેનેડા અને જર્મની પછી ચોથું સ્થાન યુકેનું છે. અમેરિકા છેક આઠમા ક્રમે ગબડ્યું છે. સંશોધકોએ મજબૂત લૈંગિક સમાનતા અને સરકારની પારદર્શિતાને ધ્યાનમાં લઈ જર્મનીને ત્રીજો ક્રમ આપ્યો હતો. વિશ્વમાં પ્રવાસ કરવા માટે બ્રાઝિલ પ્રથમ ક્રમે છે, જ્યારે સમૃદ્ધ પરંપરાઓના દેશ તરીકે ઈટાલી પહેલા સ્થાને છે. વિશ્વમાં અભ્યાસ કરવા માટે યુકેનો પ્રથમ ક્રમ છે
યુએસ ન્યૂઝ સર્વેના મતદારોને મુખ્ય વિશ્વનેતાઓ વિશે અભિપ્રાય આપવા જણાવાયું હતું જેમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સેલર એન્જેલા માર્કલ સૌથી વધુ સન્માનિત રહ્યાં હતાં. સૌથી ખરાબ રેટિંગ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને અપાયું હતું.
વૈશ્વિક રેન્કિંગમાં યુએસએ આઠમા ક્રમે ગયું છે. સતત બીજા વર્ષે તેનો દેખાવ નબળો રહ્યો છે. તેને ઓછું પ્રગતિશીલ અને ઓછું વિશ્વસનીય રાષ્ટ્ર ગણાવાયું હતું. પ્રમુખ ટ્રમ્પને સત્તામાં એક જ વર્ષ થયું છે ત્યારે વિશ્વના અન્ય દેશના વડા કે કંપની બોસની સરખામણીએ તેઓ સૌથી વધુ બિનલોકપ્રિય રહ્યા છે અને દેશ રાજકીય દૃષ્ટિએ વધુ અસ્થિર દેખાતો હોવાનું મતદારોએ કહ્યું હતું. જોકે, સત્તા-તાકાતના મુદ્દે યુએસ વિશ્વમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ છે અને રશિયા બીજા ક્રમે રહ્યું હતું. રેન્કિંગમાં પાછળ જવાં છતાં યુકે શિક્ષણની બાબતે પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે, જીવનની ગુણવત્તા બાબતે કેનેડા પ્રથમ સ્થાને તેમજ નિવૃત્તિ માણવામાં ન્યૂ ઝીલેન્ડ પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું હતું.
વિશ્વમાં શ્રેષ્ઠ ૧૦ દેશની યાદી
(૧) સ્વીટ્ઝર્લેન્ડ (૨) કેનેડા (૩) જર્મની (૪) યુનાઈટેડ કિંગ્ડમ (૫) જાપાન (૬) સ્વીડન (૭) ઓસ્ટ્રેલિયા (૮) યુનાઈટેડ સ્ટેટ્સ (૯) ફ્રાન્સ (૧૦) નેધરલેન્ડ્સ
વિશ્વભરના નાગરિકોએ એક સર્વેમાં મતદાન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ દેશોની પસંદગી કરી હતી. ધ યુએસ ન્યૂઝના સંશોધનમાં ચાર વિસ્તારોની પેનલને વિવિધ ૭૫ માપદંડના પરિમાણો વિશે ૮૦ દેશોનું મૂલ્યાંકન કરવા જણાવાયું હતું.
બિઝનેસ સ્ટાર્ટ કરવા શ્રેષ્ઠ દેશ
(૧) થાઈલેન્ડ (૨) મલેશિયા (૩) મેક્સિકો
કોર્પોરેશનનું વડા મથક રાખવા શ્રેષ્ઠ દેશ
(૧) સ્વીટ્ઝર્લેન્ડ (૨) કેનેડા (૩) લક્ઝમ્બર્ગ
વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ
(૧) યુનાઈટેડ સ્ટેટ્સ (૨) રશિયા (૩) ચીન
વિશ્વમાં સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ દેશ
(૧) ડેનમાર્ક (૨) સ્વીડન (૩) નોર્વે
વિશ્વમાં શિક્ષણ માટે શ્રેષ્ઠ દેશ
(૧) યુનાઈટેડ કિંગ્ડમ (૨) યુનાઈટેડ સ્ટેટ્સ (૩) કેનેડા
વિશ્વમાં આરામપ્રદ નિવૃત્તિ માટે શ્રેષ્ઠ દેશ
(૧) ન્યૂ ઝીલેન્ડ (૨) ઓસ્ટ્રેલિયા (૩) સ્વીટ્ઝર્લેન્ડ