વિશ્વનાં સૌથી વૃદ્ધ નવદંપતી

Wednesday 29th April 2015 08:45 EDT
 
 

લંડનઃ પ્યાર કરને કી કોઈ ઉમ્ર નહીં હોતી. બ્રિટનના ૧૦૩ વર્ષના જ્યોર્જ કિર્બી અને ૯૧ વર્ષના ડોરીન લકી આ વાત અક્ષરશઃ સાચી પુરવાર કરશે. આ બન્ને મિત્રો આવતા મહિને નવજીવનનો આરંભ કરશે તે સાથે જ આ નવપરિણીત યુગલ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી બનવાનો વિક્રમ પણ નોંધાવશે.
ઈંગ્લેન્ડના ઈસ્ટબોર્ન ટાઉનમાં રહેતા જ્યોર્જ અને ડોરીન છેલ્લાં ૨૭ વર્ષથી એકબીજાને ઓળખે છે. પહેલી મુલાકાત ૧૯૮૮ની સાલમાં થઇ હતી. ૧૯૯૦ની સાલથી જ્યોર્જના પરિવાર સાથે જ ડોરીન રહેતી હતી. જોકે છેક આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પરદાદાએ પરદાદીને પ્રપોઝ કરી દીધું અને પરદાદીએ પણ હરખભેર હાર પાડીને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
બસ, પછી તો પૂછવું જ શું? તેમનાં સંતાનોના સંતાનો તેમના રંગેચંગે લગ્ન કરાવવા તૈયાર થઈ ગયાં છે. બંનેના કુલ સાત સંતાનો છે. ૧૫ ગ્રેન્ડ ચિલ્ડ્રન અને સાત ગ્રેટ ગ્રેન્ડચિલ્ડ્રન છે. ૧૩ જૂને તેમના લગ્ન લેવાયાં છે. એ દિવસે બંનેની ભેગી ઉંમર ૧૯૪ વર્ષ અને ૨૮૧ દિવસની હશે જે વિશ્વની સૌથી મોટી ઉંમરના દુલ્હા-દુલ્હનની રેકોર્ડ બનશે. ૨૦૧૩માં ૧૮૮ વર્ષનો રેકોર્ડ બન્યો હતો. જ્યોર્જ-ડોરીનના લગ્ન દરમિયાન ૧૦૩ વર્ષના આ પરદાદા બ્રિટનના સૌથી ઓલ્ડેસ્ટ દુલ્હા હશે.
કિર્બીના જણાવ્યા પ્રમાણે મને લાગે છે કે ખરેખર સમયની વાત છે. મને નિશ્ચિત રીતે મારી ઉંમર થઇ ગઇ હોય તેમ જણાતું નથી. ડોરીન મને યુવાન રાખે છે. હું એક ઘૂંટણ પર ક્યારેય નથી બેસતો કારણ કે મને નથી લાગતું કે હું પાછો ઊભો થઇ શકું.
બીજી બાજુ ડોરીન લકીએ કહ્યું હતું કે તેમને એ વાત જાણીને સુખદ આશ્ચર્ય થયું છે કે તેઓ સંભવિત રેકોર્ડ બ્રેકર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter