લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ શાળા માટે અપાતા પુરસ્કાર માટેની 10 સંભવિત વિજેતાની યાદીમાં હેરો સ્થિત અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં વિજેતાને 39,000 પાઉન્ડ પુરસ્કાર પેટે અપાય છે. હિન્દુ સેકન્ડરી સ્કૂલ એવી અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલને કોમ્યુનિટી કોલાબોરેશન કેટેગરીમાં શોર્ટ લિસ્ટ કરાઇ છે.
હેરોની આ શાળામાં બાળકોને યોગ, મેડિટેશન અને ફિલોસોફીના શિક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરાય છે. સ્ટેનમોરમાં આવેલી આ શાળાની તેના મૂલ્ય આધારિત શૈક્ષણિક મોડેલ માટે પ્રશંસા કરાઇ છે. ગયા વર્ષે નોર્થ લંડનની બરહામ પ્રાયમરી સ્કૂલ નોમિનેટ કરાયા બાદ અવંતિ સ્કૂલ વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ માટે નોમિનેટ થયેલી બીજી શાળા છે. 1,000થી વધુ વિદ્યાર્થી ધરાવતી આ શાળામાં વિદ્યાર્થીઓની આધ્યાત્મિક, માનસિક અને શારીરિક સુખાકારીનું વિશેષ ધ્યાન રખાય છે. અભ્યાસક્રમમાં ફિલોસોફી, એથિક્સ, યોગ અને મેડિટેશનને પણ સાંકળી લેવાયાં છે. વિદ્યાર્થીઓના આરોગ્ય માટે હિતકારી એવું શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે.
શાળાના આચાર્ય સાયમન આર્નેલ કહે છે કે આ સિદ્ધી માટે અમારી શાળાને ગૌરવ છે.