લંડનઃ વિશ્વમાં સર્વપ્રથમ પોસ્ટ ઓફિસ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલી સાંકહાર પોસ્ટ ઓફિસ ૩૦૦થી વધુ વર્ષની કામગીરી પછી હવે બંધ થવાના આરે છે. આ પોસ્ટ ઓફિસની શરૂઆત સ્કોટલેન્ડના ડમ્ફ્રાઈસ એન્ડ ગેલોવેના સાંકહાર ટાઉનમાં છેક ૧૭૧૨માં કરાઈ હતી, જ્યારે ‘રનર્સ’ તરીકે ઓળખાતા ટપાલીઓ ઘોડા પર સવાર થઈને પોસ્ટની આપ-લે કરતા હતા. આ પોસ્ટ ઓફિસ વેચાશે તો ગિનેસ બુકમાં તેનું સ્થાન સ્વીડનના સ્ટોકહોમમાં ૧૭૨૦માં ખોલાએલી શાખા લઈ લેશે.
હવે તેના માલિકો નિવૃત થવા ઈચ્છતા હોવાથી તેનું વેચાણ કરી બંધ કરાઈ શકે છે. આ પોસ્ટ ઓફિસ ટિકિટ સંગ્રાહકો ઉપરાંત પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે. રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ૨૦૧૪માં બંધ કરાયા પછી કોમ્યુનિટીના વૃદ્ધ લોકો પણ પોતાની બેન્કિંગ જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરે છે. ત્રણ બેડરુમ કોટેજ સાથેની આ પોસ્ટ ઓફિસ પ્રોપર્ટીની વેચાણકિંમત ૨૭૫,૦૦૦ પાઉન્ડ રખાઈ છે.
સાંકહાર પોસ્ટ ઓફિસ અગાઉ પણ ૨૦૧૫માં બંધ થવાના આરે હતી પરંતુ, ૭૭ વર્ષીય ડો. મંઝૂર આલમ અને તેમના ૬૭ વર્ષીય પત્ની નઝરા આલમે તેને ખરીદીને કામકાજ ચાલુ રાખ્યું હતું. તેઓ મે ૨૦૨૦ના અંતે કામકાજ બંધ કરવાના છે ત્યારે નવા માલિકો પોસ્ટ ઓફિસનું કામકાજ યથાવત રાખશે તેવી તેમને આશા છે. નઝરા આલમે કહ્યું હતું કે, ‘મારું અને મારા પતિનું સ્વાસ્થ્ય સારું રહેતું હોત તો હું પોસ્ટ ઓફિસનું કામકાજ ચાલુ રાખત પરંતુ, હવે નિવૃત્ત થવું જ રહ્યું. અમે આ પ્રોપર્ટી ખરીદી તેના પાંચ વર્ષ પુરાં થવામાં છે અને તેમાં અમને મઝા આવી છે. તેણે સમાજની સારી સેવા કરી છે. પોસ્ટ ઓફિસના સ્થાને સુપરમાર્કેટ અથવા અન્ય કશું બને તેનો વિચાર પણ મને સારો લાગતો નથી.’ બે સંતાનોની માતા અને પૂર્વ નર્સ નઝરા હવે બર્મિંગહામમાં તેમનાં પરિવાર સાથે રહેવાં ઈચ્છે છે.
સાંકહાર એન્ડ ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી કાઉન્સિલને પણ પોસ્ટ ઓફિસ બંધ થાય તેનું દુઃખ છે પરંતુ, તેઓ પણ પોસ્ટ ઓફિસની પ્રોપર્ટી વેચાય તે માટે તમામ પ્રયાસ કરી રહેલ છે.