વિશ્વનું સૌથી મોંઘું ખર્ચાળ પાઈનેપલઃ એક સ્લાઈસની કિંમત માત્ર £1,000!

ઓર્ગેનિક ખાતર તરીકે ઘોડાની લાદનો ઉપયોગ કરાયો

Wednesday 03rd August 2022 02:36 EDT
 
 

લંડનઃ બ્રિટનના કોર્નવોલમાં વિશ્વનું સૌથી મોંઘું કે ખર્ચાળ પાઈનેપલ ઉગાડવામાં આવ્યું છે જેની એક સ્લાઈસની કિંમત 1000 પાઉન્ડમાં પડે છે. વિશ્વમાં આ પાઈનેપલ સૌથી મોંઘા ફળોમાં ત્રીજો ક્રમ ધરાવે છે. ફળ ઉત્પાદક 15 ફાર્મર્સની ટીમે લોસ્ટ ગાર્ડન્સ ઓફ હેલિગન ખાતે આ સ્વાદિષ્ટ પાઈનેપલના ઉત્પાદન પાછળ વર્ષો ખર્ચી નાખ્યા છે. આ ફળમાં ખાતર તરીકે ઘોડાની લાદ અથવા તો મળનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, મળના ખાતરના કારણે પાઈનેપલના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી.

યુકેના ઠંડા વાતાવરણમાં પાઈનેપલનું ઉત્પાદન મુશ્કેલ છે પરંતુ, ખેડૂતોએ પાઈનેપલના છોડને વાતાવરણ હુંફાળું હોવાનું લાગતું રહે તે માટે તેમને ઘોડાની લાદના ખાતર સાથે ખાસ બનાવાયેલા લાકડાના ખાડામાં રખાય છે. આ ખાતરની ગરમી કાણાઓની મદદથી છોડ સુધી પહોંચે છે. એક છોડને મોટો થવામાં બે વર્ષ લાગી જાય છે પરંતુ, તેમાં માત્ર એક ફળ લાગે છે. છોડની સંભાળ રાખવામાં માનવકલાકો, ઘોડાની લાદના ખાતરના ટ્રાન્સપોર્ટેશન અને જાળવણીને ધ્યાનમાં લઈએ તો એક છોડ ઉગાડવામાં 1000 પાઉન્ડનો ખર્ચ થાય છે. આટલું મોંઘું ફળ હોવાં છતાં, તેના ઉત્પાદન સાથે સંકળાયેલી ટીમને તેમની મહેનતના સરપાવ તરીકે પાઈનેપલની એક-એક સ્લાઈસ ચખાડવામાં આવી હતી.

પરંપરાગત રીતે પાઈનેપલ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને સૌથી ધનવાન અને મહત્ત્વપૂર્ણ મહાનુભાવોને જ પીરસાય છે. પાઈનેપલ સૌપહેલા 1819માં બ્રિટનમાં લવાયું હતું. ક્યુ ગાર્ડન્સ દ્વારા લોસ્ટ ગાર્ડન્સ ઓફ હેલિગનને ખાડામાં રખાયેલા પ્લાન્ટ્સની ભેટ આપવામાં આવી હતી. આ પાઈનેપલની થનારી હરાજીમાં તેના 10,000 પાઉન્ડ ઉપજશે તેવી આશા રખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter