લંડનઃ ભારતના કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયેલે દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપીને પાછા ફરતાં બ્રિટનની બે દિવસની મુલાકાત લીધી હતી. તેમણે શુક્રવાર 27 મેએ ફિનટેક, વેન્ચર કેપિટલ ફંડ્સ અને બેન્ક્સ સહિત ઈન્વેસ્ટર્સની રાઉન્ડટેબલ બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનો માટે ભારત સલામત સ્થળ ગણાય છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયેલે FTA માટે ઈન્ડિયા-યુકે બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધન કર્યું હતું. આ બેઠક પછી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઈન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેથી બિઝનેસીસને લાભ થશે તેમજ બંને દેશોના વેપાર અને આર્થિક સંબંધોને નવી ગતિશીલતા આપશે.
ઈન્ડિયન ગ્લોબલ ફોરમના કાર્યક્રમમાં કહ્યું કે બ્રિટન સહિત મોટાભાગના દેશોની આંતરરાષ્ટ્રીય કંપનીઓને સંરક્ષણ ઉત્પાદનો ભારતમાં ચાલુ કરવામાં રસ પડી રહ્યો છે. ભારત ખૂબ મોટું બજાર છે એટલું જ નહિ, કામ કરવા માટે સલામત સ્થળ પણ છે. સમગ્ર વિશ્વને હવે ખ્યાલ આવી રહ્યો છે કે સરકારની ઓપન પોલિસી અને રોકાણ માટેની કુદરતી સંભાવનાઓની રીતે ભારત સંરક્ષણ ઉત્પાદનો માટે અનુકૂળ સ્થળ છે. કોરોના મહામારી અને રશિયા યૂક્રેન યુદ્ધ છતાં, ભારતમાં ઉત્સાહનું વાતાવરણ છે. કામ કરવા સક્ષમ યુવાધન છે. આ ઉપરાંત એક કારણ એ છે કે ભારતમાં ટેકનોલોજી ટ્રાન્સફરનો આગ્રહ રખાતો નથી.
કેન્દ્રીય પ્રધાન ગોયેલે ઈન્ડસ્ટ્રીના વડાઓ સાથે તેમણે યુકેમા વડું મથક ધરાવતા ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા વીક 2022ને સત્તાવાર ખુલ્લું મૂક્યું હતું. તેમણે IGFના સ્થાપક પ્રોફેસર મનોજ લાડવા સાથે 26 મેની સાંજે Taj 51 Buckingham Gate ખાતે વાતચીતમાં વિવિધ વિષયો પર વિચારો દર્શાવ્યા હતા.