લંડનઃ વિશ્વમાં પહેલીવાર શીખ પવિત્ર સંગીત માટેની પરીક્ષાનો યુકેમાં પ્રારંભ કરાયો છે. સંગીતના શિક્ષણમાં આ પગલાંને અત્યંત મહત્વનું ગણાવવામાં આવી રહ્યું છે. મ્યુઝિક ટીચર્સ બોર્ડ દ્વારા આ પરીક્ષા શરૂ કરાઇ છે. કિર્તન તરીકે જાણીતું શીખ સંગીત હવે યુનિવર્સલ એઇટ ગ્રેડ એક્ઝામિનેશન સિસ્ટમનો હિસ્સો બન્યું છે.
બર્મિંગહામ સ્થિત ગુરમત સંગીત એકેડેમીના કો-ડાયરેક્ટર ડો. હરજિન્દર લાલીએ આ વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષાના માધ્યમથી વધુ વિદ્યાર્થીઓ શીખ કિર્તનનો અભ્યાસ કરવા પ્રેરાશે અને તેમનામાં રહેલા તાલંતોને પણ માન્યતા મળશે.
તેમણે જણાવ્યું હતું કે, સંગીત – કિર્તનને યોગ્ય સ્થાન અપાવું જોઇએ. તેનો અભ્યાસક્રમ સંકલિત અને વિશ્વ સાથે સંલગ્ન હોવો જોઇએ. જેમ વાયોલિન, પિયાનો માટે પરીક્ષા લેવામાં આવે છે તેવી જ રીતે કિર્તન માટે પણ પરીક્ષા લેવાવી જોઇએ.
40 વર્ષથી કિર્તન સાથે સંકળાયેલા લાલી કકહે છે કે સમગ્ર યુકેમાં બાળકો કિર્તન શીખી રહ્યાં છે. અમે ઇચ્છીએ છીએ કે બાળકો તેમાંથી કશું પ્રાપ્ત કરે. જેથી તેમને અનુભૂતિ થાય કે કિર્તન શીખીને તેમણે કશુંક મૂલ્યવાન પ્રાપ્ત કર્યું છે.