લંડનઃ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં બ્રિટિશ કેપિટલ લંડને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ભારતનું મુંબઇ રહેવા અને કામ કરવાની નજરે ન્યુયોર્ક અને હોંગકોંગ કરતાં પણ વધારે મોંઘું છે. લંડનની રીઅલ એસ્ટેટ ફર્મ સેવિલ્સના સર્વે અનુસાર દુનિયાના ટોચના સૌથી ૨૦ મોંઘા શહેરોની યાદીમાં મુંબઇનો ક્રમ ૧૭મો છે. મુંબઇનું સ્થાન બર્લિન, જોહાનિસબર્ગ અને રીઓ ડી જાનેરો કરતાં પણ આગળ છે.
બ્રિટિશ રાજધાની લંડન ૨૦૧૪થી તેનો ટોચના ક્રમે છે. તે પાંચ વર્ષ પહેલાં હતું તેના કરતાં આજે તે ૧૮ ટકા વધારે મોંઘું બન્યું છે. સીડની, લોસ એન્જેલસ અને શિકાગો જેવા અંગ્રેજીભાષી શહેરોની સરખામણીમાં લંડન બે ગણા કરતાં પણ વધારે મોંઘું છે.
સેવિલ્સ વર્લ્ડ રિસર્ચના વડા યોલાન્ડ બર્નેસે જણાવ્યું હતું કે ટોચના બે શહેરો લંડન અને ન્યુયોર્ક બિઝનેસ કરવા અને નોકરી કરનારાઓ માટે સૌથી મોંઘાં છે.આ શહેરો તેમની સફળતાના ભોગ બન્યા છે. જ્યારે ભાડાં પરવડે નહીં તે હદે વધી જાય ત્યારે તે એક મહત્વનો મુદ્દો બની જાય છે.