વિશ્વમાં સમુદ્રસપાટી વધતાં ૩૦૦ મિલિયન લોકોને ૨૦૫૦ સુધીમાં જોખમી અસર

વિશ્વના સૌથી મોટા અને ગીચ વસ્તી સાથે ધરાવતાં ન્યૂ યોર્ક, લંડન, મુંબઈ, ન્યૂ જર્સી, ફ્લોરિડા જેવાં શહેરોના તટવિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવાની ચેતવણીઃમાત્ર યુકેમાં જ ૩.૫ મિલિયન લોકો પૂરનાં ગંભીર જોખમ હેઠળ હોવાનું રિસર્ચમાં જણાવાયું

Wednesday 06th November 2019 02:12 EST
 
 

 

લંડનઃ અમેરિકાની ઇન્ટરનેશનલ રિસર્ચ સંસ્થાના નવા સંશોધન અનુસાર ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પગલે ૨૦૫૦ સુધીમાં વિશ્વના સમુદ્રોની સપાટીમાં થનારા વધારાથી ૩૦૦ મિલિયન લોકોને ગંભીર અસર થશે. માત્ર યુકેમાં જ ૩.૫ મિલિયન લોકો પૂરનાં ગંભીર જોખમ હેઠળ હોવાનું રિસર્ચમાં જણાવાયું છે. વિશ્વના સૌથી મોટા અને ગીચ વસ્તી સાથે ધરાવતાં ન્યૂ યોર્ક, લંડન, મુંબઈ, ન્યૂ જર્સી, ફ્લોરિડા જેવાં શહેરોના તટવિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવાની ચેતવણી પણ નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રસિદ્ધ લેખમાં અપાઈ છે. ભારત, બાંગલાદેશ અને વિયેતનામ જેવા દેશોના વિશાળ વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની ચેતવણી પણ અપી છે. આ પરિણામોની નાણાકીય અસર પણ વધુ ગંભીર હશે. વિશ્વ બેન્કે અગાઉના મોડેલ્સ પર આધાર રાખી ક્લાઈમેટ ચેન્જના પરિણામે વિશ્વને પ્રતિ વર્ષ એક ટ્રિલિયન ડોલરના નુકસાનનો અંદાજ મૂક્યો હતો.

વૈજ્ઞાનિકોની નવી ગણતરીમાં દર્શાવાયું છે કે નાસાના સેટેલાઈટ્સ આધારિત વર્તમાન ગણતરી ભૂલભરેલી છે, જેમાં સમુદ્રસપાટીમાં વધારાથી ૮૦ મિલિયન લોકોને અસર થવાની ચેતવણી અપાઈ હતી. નવા સંશોધન અનુસાર ૨૦૫૦ સુધીમાં સમુદ્રસપાટી વધવાથી ૩૦૦ મિલિયન લોકોને અસર થશે. સંશોધન અનુસાર એન્ટાર્ટિકના બર્ફીલા સ્તર ઝડપથી પીગળી રહ્યાં છે તેના પર ગંભીર પરિણામની વધુ અસર રહેશે. જો પરિસ્થિતિ વણસશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં સમદ્રની જોરદાર ભરતીઓથી ૬૪૦ મિલિયન લોકોને અસર થશે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે તટવિસ્તારોમાં લોકોને વર્ષમાં ઓછામાં ઓછું એક વખત હાઈ ટાઈડના ઉછળતાં મોજાંથી ભારે પૂરનો સામનો કરવો પડશે જેનાથી જમીનો ડૂબશે. યુએસમાં અસરગ્રસ્ત મેટ્રો શહેરોમાં સૌથી વધુ વસ્તી અને સમુદ્રતટની નજીક હોવાના કારણે ન્યૂ યોર્ક સિટીને સૌથી વધુ અસર નડશે. આ જ રીતે યુકેમાં લંડન તેમજ પૂર્વ તરફના કાંઠાના વિસ્તારોને સમુદ્ર સપાટીમાં સતત વધારાની ગંભીર અસર પહોંચશે.

સંશોધન અનુસાર ભારતમાં પૂરના જોખમથી સાત ગણા અને ચીનના ત્રણ ગણા લોકો અસરગ્રસ્ત થશે. ભારતની આર્થિક રાજધાની અને ૧૮ મિલિયનથી વધુ વસ્તી સાથેનું મહાનગર મુંબઇ ૨૦૫૦ સુધીમાં અરબી મહાસાગરમાં ગરકાવ થઇ જશે. વોર્મિંગના પગલે અરબી સમુદ્રની જળસપાટી ભયજનક રીતે વધી રહી હતી. ભારતની પડોશના બાંગલાદેશ અને અન્ય વિસ્તારોને પણ સમુદ્રની સપાટીમાં વધારાનું જોખમ અનુભવાશે અને સંક્યાબંધ શહેરો ડૂબમાં જશે. દક્ષિણ વિયેતનામ લગભગ આખું ડૂબી જશે તેમ સંશોધન જણાવે છે. રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારત ઉપરાંત, બાંગલા દેશ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ જેવાં દેશોમાં સમુદ્રકાંઠા વિસ્તારોમાં લોકોની વસ્તી આગામી ત્રીસેક વર્ષમાં નોંધપાત્રપણે વધશે. આ વસ્તી હાઇ ટાઇડ- દરિયાની ભરતીનાં સૌથી ઊંચા મોજાંનો ભોગ બનવાની પૂરી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter